પાકિસ્તાનમાં હાલ ઈમરાન ખાનની સરકાર ખતરામાં છે. થોડા દિવસો પહેલાં જ ઈમરાન ખાનની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ત્યારે ઈમરાન ખાને પોતાની સરકાર અને પોતાના દેશની ખરાબ આર્થિક સ્થિતીને સુધારવા માટે 1.5 બિલીયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ રાહત પેકેજ પેટ્રોલ-ડિઝલ અને વીજળીમાં સબસીડી તરીકે ચુકવવામાં આવનાર છે.


IMF પાકિસ્તાન પાસે માંગ્યો હિસાબઃ
ઈમરાન ખાન સરકારે જાહેર કરેલા આ રાહત પેકેજ અંગે હવે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)એ પાકિસ્તાનને પ્રશ્ન પુછ્યો છે કે, તમે જાહેર કરેલા 1.5 બિલીયન ડોલરનું રાહત પેકેજ IMF કઈ રીતે આપશો તેની વિગતવાર માહિતી આપો. આ અંગે પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તરેન જણાવ્યું હતું કે, IMFએ રાહત પેકેજની રકમ ક્યાંથી આવશે તે અંગે માહિતી માંગી છે. જો કે હવે તે કોઈ મુદ્દો નથી કેમ કે અમે આ રાહત પેકેજ ક્યાંથી આવશે તે અંગેની માહિતી IMFને આપી દીધી છે. પાકિસ્તાન સરકારે બજેટના ચાર મહિના પહેલાં પેટ્રોલ-ડિઝલ અને વીજળીમાં સબસીડી આપવા માટેનું આ રાહત પેકેજને સ્થગિત કરી દીધું હતું. 


અમે હોમવર્ક કરી લીધું છેઃ પાક. નાણામંત્રી
IMFએ 2019માં પાકિસ્તાનને 6 બિલીયન ડોલરનું રેસ્ક્યુ પેકેજ આપવાનું નક્કી કર્યું હતું. આ રાહત પેકેજ અંગે હાલ IMFએ સાતમી સમિક્ષા શરુ કરી છે. ત્યારે આ સમિક્ષા માટે પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તરેન IMFના પ્રતિનિધિઓ સાથે મંગળવાર મિટિંગ કરશે. આ મિટિંગ અંગે IMFએ પાકિસ્તાન પાસે તેના સરકારી એકમોના ડિવિડન્ડના કરારો અને પાકિસ્તાનના પ્રાંતો પાસેથી મળનારી વધારાની આવક અંગેની માહિતી પણ માંગી છે. આ બધી માહિતી અંગે પાકિસ્તાનના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અમે હોમવર્ક કરી લીધું છે. 


ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હાલ ઈમરાન ખાનની સરકાર ખતરામાં છે. વિપક્ષી પાર્ટીઓએ સાથે મળીને ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત મુકી છે. ત્યારે ઈમરાન ખાને હાલ પોતાના દેશની ખરાબ હાલત અને મોંધવારીને વધતી અટકાવવા માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવા માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. વૈશ્વિક ક્રુડ ઓઈલ બજારમાં વધતા ક્રુડના ભાવો વચ્ચે ઈમરાન ખાને પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવાની જાહેરાત કરી છે.