Imran Khan Arrested: ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે. ખાનની ધરપકડ બાદ રાજધાનીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે)ના રોજ ઈસ્લામાબાદની હાઈકોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ દેશમાં તણાવનો  માહોલ સર્જાયો છે. ઈમરાનની ધરપકડ સાથે જ તેના નારાજ સમર્થકોએ અનેક મોટા શહેરોમાં હિંસક પ્રદર્શનો ઉગ્ર બનાવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજધાની ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જો કે પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ દેશની રાજધાની ઈસ્લામાબાદમાં અત્યાર સુધી હિંસાની કોઈ ઘટના બની નથી.


ઈમરાન ખાન દેશદ્રોહ, આતંકવાદ અને હિંસા ભડકાવવા જેવા આરોપોનો સામનો કરી રહ્યા છે. ઈમરાન લાહોરથી ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. જ્યારે ઈમરાન કોર્ટમાં બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સેનાના જવાનોએ કોર્ટની બારી તોડીને અને વકીલો, સુરક્ષા કર્મચારીઓને માર માર્યા બાદ ખાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર, પૂર્વ વડાપ્રધાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


જાણો શું છે સમગ્ર મામલો



  • ઈમરાન ખાન ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ગયા હતા, ત્યારે સેનાએ હુમલો કરીને તેમની ધરપકડ કરી હતી. ઈમરાનની ધરપકડથી નારાજ લોકોએ અનેક શહેરોમાં હિંસા તેજ કરી છે.

  • બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં પ્રદર્શનકારીઓ અને સેના વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. આ સિવાય પાંચ લોકો ઘાયલ થયાની માહિતી છે. જ્યારે કરાચી, પેશાવર, રાવલપિંડી અને લાહોરમાં સમાન હિંસામાં લગભગ 15 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

  • ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજધાનીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત બુધવાર 10 મેના રોજ પણ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

  • ઈમરાનના લગભગ 4,000 સમર્થકોએ લાહોરમાં ટોચના કમાન્ડરના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો. દેખાવકારોએ પોલીસના વાહનોને પણ આગ લગાવી દીધી હતી અને મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.

  • વિરોધીઓએ રાવલપિંડીના ગેરીઝન શહેરમાં પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટરમાં પણ તોડફોડ કરી હતી. ખાન તરફી નારા લગાવવાની સાથે.

  • ઈસ્લામાબાદ પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઈમરાનની અલ કાદિર ટ્રસ્ટ કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન તેની સામે નોંધાયેલા કેસ માટે જામીન મેળવવા કોર્ટમાં ગયો હતો. તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીએ 71 વર્ષીય પૂર્વ ક્રિકેટ સ્ટારની ધરપકડને "અપહરણ" ગણાવી છે.

  • પોલીસ અને સરકારી અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, ખાનને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોની ઓફિસમાં પૂછપરછ માટે ઈસ્લામાબાદ નજીક રાવલપિંડીના ગેરિસન ટાઉન ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસે કહ્યું કે તેનું મેડિકલ ચેકઅપ પણ થવાનું છે.

  • સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ભારતીય સેના પાકિસ્તાનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. આ સિવાય સેના દ્વારા સરહદ પર કડક તકેદારી રાખવામાં આવી રહી છે.

  • પૂર્વ વડાપ્રધાન ખાનનો મામલો રિયલ એસ્ટેટ બિઝનેસમેન સાથે જોડાયેલો છે. જેમાં બંને વચ્ચે થયેલા કરાર વચ્ચે દેશની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

  • પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે સંકેત આપ્યા છે કે ખાનની ધરપકડ બાદ તેની પત્ની બુશરા બીબીની પણ ધરપકડ થઈ શકે છે.