Imran Khan Video : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો લાહોરની કોર્ટમાં હાજરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈમરાન ખાન ભારે સુરક્ષા વચ્ચે આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેમની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓ તેના ખભા પાછળ લટકતી બુલેટપ્રૂફ બેલેસ્ટિક શિલ્ડ સાથે ચાલતા જોવા મળે છે. તેમણે બેલેસ્ટિક શિલ્ડ સાથે ઈમરાન ખાનની આસપાસ એક વર્તુળ બનાવ્યું હતું, જેથી કોઈ હુમલાખોર ઉપરથી ગોળીબાર ન કરી શકે.



ખુદ ઈમરાન ખાનનું માથું ખભા સુધી ગોળાકાર બુલેટપ્રૂફ કેપથી ઢંકાયેલું હતું. જોવા માટે આ કેપમાં એક નાનું કાણું પણ હતું. સોશિયલ મીડિયા પર તેને પાકિસ્તાનની Z+ સુરક્ષા ગણાવવામાં આવી રહી છે.

આ વીડિયો ક્યાંનો અને ક્યારેનો?

ઈમરાન ખાનનો આ વીડિયો આજનો છે. આ વીડિયો ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. ઈમરાન ખાન આજે લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમની જામીન 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. ઈમરાન પોતાની અંગત ક્ષમતામાં કોર્ટમાં હાજર થયા બાદ એટીસીના ન્યાયાધીશ અબર ગુલ ખાને ઘણા કેસોમાં ભૂતપૂર્વ વડાપ્રધાનની જામીનની મુદત લંબાવવાનો આદેશ જારી કર્યો હતો. તેમની પાર્ટી પીટીઆઈએ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, ઈમરાન ખાનને માથા પર બુલેટપ્રૂફ બ્લેક કેપ પહેરીને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કયા કેસમાં કોર્ટમાં હાજર થયા ઈમરાન ખાન?

છેલ્લી સુનાવણીમાં ન્યાયાધીશ ઈજાઝ અહમદ બટ્ટરે પીટીઆઈના વડા ઈમરાન ખાનને દરેક સુનાવણીમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવા અને કેસોમાં પોલીસ તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. ઈમરાન ખાન અને તેમના પક્ષના અન્ય નેતાઓ વિરુદ્ધ જમાન પાર્કમાં રહેઠાણની તલાશી લેવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરવા, સરકારી સંપત્તિને સળગાવવા અને તોફાનો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની વિવિધ કલમો ઉપરાંત આતંકવાદ વિરોધી અધિનિયમ, 1997ની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો છે.





ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો

ગયા વર્ષે 3 નવેમ્બરે વજીરાબાદમાં લોંગ માર્ચ દરમિયાન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. આ દરમિયાન કન્ટેનર પર ઉભેલા ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી હતી. આ હુમલામાં ઈમરાન ખાનનો જીવ સહેજથી બચી ગયા હતા. આ સ્થિતિમાં પાકિસ્તાની સુરક્ષા દળો તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સતર્ક છે. ખુદ ઈમરાન ખાને દાવો કર્યો છે કે, પાકિસ્તાન સરકાર તેમની હત્યા કરાવવા માંગે છે. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-ચેરમેન આસિફ અલી ઝરદારી પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ઝરદારીએ તેમની હત્યા માટે આતંકવાદીઓને પૈસા ચૂકવ્યા હતા.