India In UNGA: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ) એ બુધવારે ચાર યુક્રેનિયન પ્રદેશો પર રશિયન કબજાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. 143 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે પાંચ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત 35 થી વધુ સભ્ય દેશો આ પ્રસ્તાવથી દૂર રહ્યા અને મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાએ સુરક્ષા પરિષદમાં સમાન ઠરાવને વીટો કર્યાના દિવસો બાદ આ ઠરાવ આવ્યો છે, જેમાં ભારતે ભાગ લીધો ન હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયા સામે નિંદા પ્રસ્તાવ પસાર કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે યુએનજીએના ઐતિહાસિક ઠરાવને સમર્થન આપનારા 143 દેશોનો આભાર. યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા: સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોનો બચાવનું સમર્થન કર્યું છે.
પુતિનની માંગ વિરુદ્ધ ભારતનો મત
સોમવારે (10 ઓક્ટોબર) ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાને મોટો ઝટકો આપ્યો હતો. ભારતે ગુપ્ત મતદાનની પુતિનની માંગને નકારી કાઢી હતી. વાસ્તવમાં યુક્રેનના ચાર પ્રદેશો પર ગેરકાયદેસર કબજો કરવા બદલ રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ડ્રાફ્ટ ઠરાવ લાવવામાં આવ્યો હતો. ઠરાવમાં રશિયાની નિંદા કરવા માટે ખુલ્લા મતદાન માટે કહેવામાં આવ્યું હતું પરંતુ રશિયા તેના પર ગુપ્ત મતદાન ઇચ્છતું હતું. બીજી તરફ ભારતે પુતિનની આ માંગની વિરુદ્ધ યુએનમાં મતદાન કર્યું હતુ. આ પ્રસ્તાવ અલ્બાનિયા દ્વારા લાવવામાં આવ્યો હતો.
અલ્બેનિયન પ્રસ્તાવની તરફેણમાં 107 વોટ મળ્યા, જ્યારે 13 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ચીન, ઈરાન અને રશિયા સહિત 24 દેશોએ ઠરાવ પર મતદાન કર્યું ન હતું. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર પ્રદેશોના વિલીનીકરણની ઘોષણા કરતા દસ્તાવેજો પર ઔપચારિક હસ્તાક્ષર કર્યા હતા. ક્રિમિયા બ્રિજ બ્લાસ્ટ બાદ આ અઠવાડિયે રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી ગયો છે. પરિણામે રશિયાએ હવે યુક્રેન વિરુદ્ધ હવાઈ હુમલાઓ તેજ કરી દીધા છે.