India helped deter Russia from nuclear use : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભારત અને ચીને જ રશિયાને યુક્રેન પર પરમાણું હુમલો કરતા અટકાવ્યા છે. બ્લિંકને કહ્યું હતું કે, આ બંને દેશોની જ અસર છે નહીં તો અત્યાર સુધીમાં રશિયાએ આ યુદ્ધ જીતવા માટે યુક્રેન પર પરમાણુ હુમલો કરી જ દીધો હોત.


રશિયા સાથે ભારતનું સીધું જોડાણ


ઈન્ટરવ્યુમાં બ્લિંકને કહ્યું હતું કે, ભારત અન્ય દેશોની સરખામણીએ રશિયા સાથે વધુ સીધું જોડાણ ધરાવે છે. નવી દિલ્હી છે જેણે બેઇજિંગ સાથે મળીને મોસ્કોને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાને લઈને અટકાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પુતિન આ યુદ્ધમાં વધુ અતાર્કિક પ્રતિક્રિયા આપી શકે છે. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. જે ચિંતાનો વિષય છે.


ભારત મતદાનથી રહ્યું દૂર 


બ્લિંકને કહ્યું હતું કે, અમે એવા તમામ દેશોને આ યુદ્ધનો અંત લાવવા વિનંતી કરીઈ છીએ, જેમના સંબંધો સારા છે. જેમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે. તેની પણ અસર જોવા મળી હતી. બંને દેશોએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે સફળ રહ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, બ્લિંકેનનું આ નિવેદન યુક્રેન યુદ્ધ પર ભારતના વલણના જવાબમાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીએ, યુદ્ધને એક વર્ષ પૂરા થવાના એક દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો. તેમાં માંગ કરવામાં આવી હતી કે રશિયા શક્ય તેટલી વહેલી તકે યુક્રેનમાંથી બહાર નીકળી જાય. જોકે ભારત આ વોટથી દૂર રહ્યું હતું.


રશિયા પર ભારતનો વિશ્વાસ ઘટી રહ્યો હોવાની સોગઠી


બ્લિંકને કહ્યું હતું કે, જે દેશો રશિયા સાથે વર્ષોથી સંબંધો ધરાવે છે, તેમના માટે એક જ ઝાટકે અલગ થવું મોટો પડકાર છે. આપણે જાણીએ છીએ કે ભારત દાયકાઓથી રશિયન લશ્કરી હથિયારો ખરીદી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે રશિયા વિશ્વાસ ગુમાવી રહ્યું છે. રશિયા પર ભારતની નિર્ભરતા ઘટી રહી છે અને ભારત ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે.


ચીન પર મોટો આરોપ લગાવાયો


આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ ચીન પર આરોપ લગાવ્યો હતો કે, તે રશિયાને હથિયાર આપીને મદદ કરી શકે છે. ચીનને મોટો ખતરો ગણાવતા બ્લિંકને કહ્યું હતું કે, ચીન રશિયાને શસ્ત્રો અને દારૂગોળો આપવા પર વિચાર કરી રહ્યું છે, જે આવનારા સમયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ચીન ન તો રશિયાની કાર્યવાહીની ટીકા કરે છે અને ન તો તે રશિયા પર યુક્રેનના હુમલાને ખોટો ગણાવે છે. તેમણે ચેતવણી આપી હતી કે, ચીન તરફથી કોઈપણ શસ્ત્ર સપ્લાય માત્ર પશ્ચિમી દેશો માટે જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ સમસ્યા ઊભી કરી શકે છે.