Indian Army: દેશની સરહદોની સુરક્ષા હોય કે આતંકવાદીઓ સામે ટક્કર લેવાની હોય, ભારતીય સેના દરેક જગ્યાએ મક્કમતાથી ઉભી છે. પરંતુ હવે સાત સમુદ્ર પાર પણ ભારતીય સેનાનો ડંકો વાગી રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ આફ્રિકન દેશ કોંગોનું છે, જ્યાં ભારતીય સેનાની ટુકડી સુયુક્ત રાષ્ટ્ર (UN) પીસકીપિંગ ફોર્સમાં (શાંતિ સ્થાપક સેના) ફરજ બજાવી રહી છે.


આ દરમિયાન ભારતીય સેનાની આ ટુકડીએ વિદ્રોહી-સંગઠનના હુમલાને માત્ર નિષ્ફળ બનાવ્યો છે અને વિદ્રોહીને તગેડી મુક્યા છે. મળતી માહિતી મુજબ, ગત 22 મેના રોજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના રૂત્શુરુ વિસ્તારના શાંગીમાં M-23 વિદ્રોહી સંગઠને ડેમોક્રેટિક રિપબ્લિકમાં કોંગોની આર્મી અને યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન સ્ટેબિલાઈઝેશન મિશનની જગ્યાઓ પર હુમલો કર્યો હતો. 


આ અચાનક હુમલા દરમિયાન, બળવાખોરોએ ગોળીબાર કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર અને કોંગી સેનાના સ્થાનો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાની ટુકડી પણ શાંતિ રક્ષા મિશનના ભાગરૂપે MNUSCO માં સામેલ હતી. આ હુમલો થતાં જ ભારતીય સૈનિકોએ ન માત્ર વળતો મુકાબલો કર્યો પરંતુ બળવાખોરોને પણ તગેડી મુક્યા હતા. આ જવાબી કાર્યવાહીમાં અન્ય દેશોના સૈનિકોએ પણ ભારતીય સેનાની મદદ કરી, જે આ શાંતિ મિશનનો એક ભાગ છે. MNUSCO અનુસાર, બળવાખોરો સામે બે એટેક હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ ભારતીય સેનાએ કોંગોમાં પણ પોતાનું શ્રેષ્ઠ સાહસ બતાવીને ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું હતું.


1999થી કોંગોમાં ભારતીય સેનાની ટુકડીઃ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સૈન્યની ટુકડી વર્ષ 1999થી ગૃહ યુદ્ધ અસરગ્રસ્ત આફ્રિકન દેશ કોંગોમાં તૈનાત છે. આ ટુકડી સંયુક્ત રાષ્ટ્રમાં MNUSCO મિશનનો ભાગ છે. MNUSCO એ ફ્રેન્ચ શબ્દ છે જેનું અંગ્રેજીમાં પૂર્ણ સ્વરૂપ છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન સ્ટેબિલાઇઝેશન મિશન ઇન ધ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. યુએન ચાર્ટર હેઠળ, ભારતીય સેના ગૃહ યુદ્ધગ્રસ્ત કોંગોમાં તૈનાત છે અને પરિસ્થિતિને સ્થિર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.