પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે હાલ ભારત સહિત વિશ્વના તમામ દેશોની હાલત ખરાબ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં વિશ્વના મોટાભાગના દેશોમાં મોંઘવારી પણ વધી ગઈ છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે, પરંતુ આ સ્થિતિને કાબુમાં લેવા માટે ક્રુડના મોટા નિકાસકારો કાચા તેલનું ઉત્પાદન વધારવા માટે કોઈપણ રીતે સંમત નથી. વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંના એક સાઉદી અરેબે હવે સ્પષ્ટ કર્યું છે કે, તે તેલની વધતી કિંમતોને કાબુમાં કરવા માટે કોઈ પગલાં લેશે નહીં. સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું છે કે, તેલની કોઈ અછત નથી તો પછી કયા આધારે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવું જોઈએ.


સાઉદી અરબ નહી વધારે ક્રુડનું ઉત્પાદનઃ
સાઉદી અરબે કહ્યું છે કે, તેઓ ઈંધણના વધતા ભાવને રોકવા માટે ક્રુડ ઓઈલના ઉત્પાદનને નહી વધારે. એક મીડિયા અહેવાલ અનુસાર, પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને કહ્યું છે કે, "જ્યાં સુધી આપણે જાણીએ છીએ, ઈંધણ તેલની કોઈ અછત નથી. સાઉદી અરબ આ મામલે જે કરી શકતું હતું, તેણે તે કરી બતાવ્યું છે." ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) અનુસાર, સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર છે. માર્ચમાં, IEA એ તેલની વધતી કિંમતોને કાબૂમાં લેવા માટે સ્ટોકમાંથી વધુ તેલ બજારોમાં લાવવા માટે 10-પોઇન્ટનો પ્લાન તૈયાર કર્યો હતો.


યુદ્ધથી દુનિયાભરમાં મોંધવારી વધીઃ
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલ સહિતના ઈંધણના ભાવમાં થયેલ વધારાનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલ યુદ્ધ છે. રશિયા દુનિયાના સૌથી મોટું ક્રુડ તેલ ઉત્પાદન કરતા દેશમાંનો એક દેશ છે. રશિયા પર લગાવામાં આવેલા આર્થિક પ્રતિબંધના કારમે વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘણો વધારો થયો છે. કાચા તેલના ભાવ ગત વર્ષના ભાવ કરતાં 70 ટકા વધું છે. વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવથી ભારત પણ પરેશાન છે કારણ કે, ભારતમાં મોંધવારી વધી છે. એપ્રિલ મહિનામાં ભારતમાં મોંધવારીનો દર 7.8 ટકા રહ્યો હતો. આવનારા સમયમાં પણ મોંધવારીની સ્થિતિ ગંભીર થવાની શક્યતા છે.