યુક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ તંગ છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. નવી એડવાઈઝરી અનુસાર ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
MEAએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સંકલન વિના સરહદી વિસ્તારમાં જાય નહીં. ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની વાપસી માટે ભારત સરકારે અભિયાનની શરૂઆત કરી છે. આ તમામને રોમાનિયા થઈને દેશમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. જ્યારે વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે તમામને પોલેન્ડ અને હંગેરી દ્વારા બહાર કાઢવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર, લગભગ 20 હજાર ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. જેમાં ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. આ દરમિયાન કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને બંકરોમાં છુપાઈ જવાની ફરજ પડી છે. આ કારણોસર હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ તેજ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુતિન સાથે ફોન પર વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. યુક્રેન પર રશિયાના હુમલાથી પડોશી દેશો પણ ડરી ગયા છે. પાડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ, લાતવિયા, એસ્ટોનિયા સબ એલર્ટ પર છે. આ દેશોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને કોઈપણ હુમલાનો સામનો કરવા માટે સેનાને તૈયાર રાખવામાં આવી છે.