કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત બીજા દિવસે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા દ્ધારા છોડવામાં આવેલી 160થી વધુ મિસાઇલથી યુક્રેનની રાજધાની કીવ હચમચી ગઇ છે. લોકો જીવ બચાવવા માટે સબ-વે સ્ટેશનો અને બંકરોમાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કીવની પાસે પહોંચી ગયા છે. કીવ બહાર રશિયન સૈનિકો અને યુક્રેનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી જેમાં રશિયાના 60 સૈનિકો માર્યાનો યુક્રેને દાવો કર્યો હતો.
કિવ સહિત યુક્રેનના અનેક શહેરોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાર્કિવમાં ઘણી ઇમારતો નાશ પામી હતી. મેરુપોલ શહેરમાં લશ્કરી થાણાની આસપાસ ઘણી ઇમારતો તબાહ થઇ ગઇ છે અને રસ્તાઓ તૂટી ગયા હતા. ઓડેસા શહેરના ઓઇલ સ્ટેશનો પણ આગમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. શહેરોમાં ખાણી-પીણીથી લઈને રોજીંદી જરૂરી ચીજવસ્તુઓની અછત છે.બીજી તરફ રશિયા અને યુક્રેન સરકારોએ વાતચીતના સંકેત આપ્યા હતા. રશિયાના વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો યુક્રેન શસ્ત્રો છોડી દે તો તેઓ વાતચીત માટે તૈયાર છે. બીજી તરફ યુક્રેને વિશ્વના દેશોને રાજધાનીની રક્ષા કરવા માટે મદદ કરવાનો આગ્રહ કર્યો હતો.
યુક્રેન અને રશિયા વાતચીત માટેના સમય અને સ્થળ પર આગામી સમયમાં ચર્ચા કરાશે. યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર કર્યું કે આક્રમણ શરૂ થયા બાદ વાટાઘાટો માટેના સમય અને સ્થળ પર આગામી કલાકોમાં પરામર્શ કરશે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના પ્રવક્તા Sergii Nykyforov સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, આક્રમણ શરૂ થયા બાદ કૂટનીતિ માટે આશાની પ્રથમ ઝલક રજૂ કરાઇ છે.રશિયાએ કહ્યું કે યુક્રેનને મળવા માટે બેલારૂસની રાજધાનીમાં મળવાની ઓફર રજૂ કરાઇ હતી પરંતુ યુક્રેને એ તટસ્થ દેશમાં વાતચીત માટેની વાત કરી હતી.
Sergii Nykyforovએ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે "અમે રશિયન ફેડરેશનના પ્રમુખના પ્રસ્તાવ માટે સહમત થયા છીએ." પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે રશિયાની દરખાસ્ત "બંદૂકના બેરલ પર" મુત્સદ્દીગીરી કરવાનો પ્રયાસ હતો અને જો તે વાટાઘાટો કરવા તૈયાર હોય તો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાએ યુક્રેન પર બોમ્બમારો બંધ કરવો જોઈએ.
બીજી તરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને રશિયન સૈનિકોને ભગાડવા માટે પેટ્રોલ બોમ્બ બનાવવાનુ કહેવામાં આવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિએ એક વીડિયોમાં કહ્યું કે "અમે અહીં છીએ. અમે કિવમાં છીએ. અમે યુક્રેનની સુરક્ષા કરી રહ્યા છીએ." અગાઉ અન્ય એક વીડિયોમાં તેણે કહ્યું, "હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી તેઓ યુક્રેનના નાગરિક છે. અમને એવી માહિતી મળી છે કે હું રશિયાના પહેલા નિશાના પર છું અને મારો પરિવાર બીજા નિશાના પર છે.
યુક્રેન-રશિયા યુદ્ધથી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે સમગ્ર વિશ્વ પર તેની અસર પડી રહી છે. દરમિયાન, યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે રશિયન સૈનિકોએ હવે તેમની બેરેકમાં પાછા ફરવું જોઈએ.યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા આજે રાજધાની કિવ પર હુમલો કરી શકે છે. રશિયન સેના સતત કિવ તરફ આગળ વધી રહી છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયા આજે રાજધાની કિવને તબાહ કરવાનો પ્રયાસ કરશે.
રશિયન સૈન્ય વિમાનને તોડી પાડ્યા બાદ યુક્રેને દાવો કર્યો છે કે તેણે કીવમાં 60 રશિયન સૈનિકોને માર્યા છે. રશિયન સૈનિકો કિવથી 40 કિલોમીટર દક્ષિણમાં વાસિલ્કિવમાં પ્રવેશ્યા હતા. યુક્રેન આ સૈનિકોને તોડફોડ કરનારા તત્વો કહે છે. વાસિલ્કિવમાં રશિયન સૈનિકો સાથે અથડામણ થઈ હતી. યુક્રેનનો દાવો છે કે રશિયન પેરાટ્રૂપર્સે 37 હજાર લોકોના શહેર વાસિલ્કિવ પર હુમલો કર્યો હતો. આમાં યુક્રેનની સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.