US Indian Green Card Holder: અમેરિકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે તાજેતરના કડક ઈમિગ્રેશન પગલાં અને નિયમોના કારણે ઘણા ભારતીયોમાં ચિંતા ફેલાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના નિવેદન પછી ગ્રીન કાર્ડ ધારકોએ તેમના સ્ટેટસ અંગે સાવધ રહેવું જરૂરી બની ગયું છે. જોકે, ઇમિગ્રેશન વકીલો અને નિષ્ણાતો કહે છે કે મોટાભાગના કાયદાનું પાલન કરનારા ગ્રીન કાર્ડ ધારકોને ચિંતા કરવાની જરૂર નથી, સિવાય કે તેઓ યુએસ નિયમો અને નીતિઓનું ઉલ્લંઘન ન કરતા હોય.
ઇમિગ્રેશન નિષ્ણાતો નેહા મહાજન અને મંજુનાથ ગોકરેના મતે, જો ગ્રીન કાર્ડ ધારકો યુએસ કાયદાઓનું પાલન કરી રહ્યા હોય લાંબા સમય સુધી અમેરિકાની બહાર રહેતા ન હોય અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ન હોય તો તેમને તેમના ગ્રીન કાર્ડ રદ થવાની ચિંતા કરવાની જરૂર નથી.
ગ્રીન કાર્ડ ધારકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?
કાયમી રહેઠાણ જાળવી રાખો: ગ્રીન કાર્ડ ધારકોએ અમેરિકામાં કાયમી રહેઠાણ જાળવી રાખવું આવશ્યક છે, જેમ કે ઘર અથવા એપાર્ટમેન્ટ રાખવું, અમેરિકન બેન્ક એકાઉન્ટ, સ્વાસ્થ્ય વીમા અને ડ્રાઇવિંગ લાયસન્સ.
યુએસ ટેક્સ ફાઇલ કરો: તમારે યુએસ આવકવેરો ફાઇલ કરવો અને બધી આવક પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. ટેક્સ ફોર્મ 1040 (નિવાસી તરીકે) ફાઇલ કરવું આવશ્યક છે, બિન-નિવાસી તરીકે નહીં.
લાંબા સમય સુધી અમેરિકાની બહાર ન રહો: છ મહિનાથી ઓછા સમય માટે અમેરિકાની બહાર રહેવું સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમે છ મહિનાથી એક વર્ષ સુધી બહાર રહો છો, તો તપાસ થઈ શકે છે. રિ-એન્ટ્રી પરમિટ (ફોર્મ I-131) વગર એક વર્ષથી વધુ સમય માટે ઘરથી દૂર રહેવાથી તમારું ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે.
અમેરિકામાં પ્રવેશ કરતી વખતે કયા દસ્તાવેજોની જરૂર પડશે?
માન્ય ગ્રીન કાર્ડ (ફોર્મ I-551)
હોમ કન્ટ્રી પાસપોર્ટ
રી-એન્ટ્રી પરમીટ (જો લાગુ હોય તો)
વર્તમાન રોજગારની છેલ્લા ૩ મહિનાની પગાર સ્લિપ
રોજગાર ચકાસણી પત્ર
ગયા વર્ષનું W-2 ફોર્મ અને ફેડરલ આવકવેરા રિટર્ન
યુએસ બેન્ક ખાતાની વિગતો
યુએસ ડ્રાઇવિંગ લાયસન્સ
CBP ઓફિસર નિયમો
જો યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓ ગ્રીન કાર્ડ ધારકને તેમનું ગ્રીન કાર્ડ છોડી દેવાનું કહે, તો વકીલની સલાહ લીધા વિના ફોર્મ I-407 સહિત કોઈપણ ફોર્મ પર સહી કરશો નહીં. વિલંબિત નિરીક્ષણ માટે એપોઇન્ટમેન્ટની વિનંતી કરો જેથી તમે વકીલ સાથે CBP અધિકારીઓ સમક્ષ પુરાવા રજૂ કરી શકો.
યુએસ નાગરિકતાનો વિચાર કરો
ઇમિગ્રેશન નિષ્ણાતો માને છે કે ગ્રીન કાર્ડ ધારકો જો લાયક હોય તો તેમણે યુએસ નાગરિકતાનો વિચાર કરવો જોઈએ. ગ્રીન કાર્ડ મળ્યાના 5 વર્ષ પછી તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો. આ શ્રેષ્ઠ રીત છે જેથી તમારે તમારું સ્ટેટસ ગુમાવવાની ચિંતા ન કરવી પડે.
કડક ઇમિગ્રેશન નીતિ
તાજેતરની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ગ્રીન કાર્ડ ધારકો પર વધેલી તપાસને ધ્યાનમાં રાખીને ગ્રીન કાર્ડ ધારકો યુએસ કાયદાઓનું પાલન કરે, દસ્તાવેજો અપડેટ રાખે અને લાંબા સમય સુધી યુએસની બહાર ન રહે તે મહત્વપૂર્ણ છે. ગ્રીન કાર્ડ ધારકોએ પોતાનો દરજ્જો જાળવી રાખવા માટે સાવચેતી રાખવી જોઈએ અને જો જરૂરી હોય તો યુ.એસ. નાગરિકતાનો વિચાર કરવો જોઈએ.