નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી લોકોની વચ્ચે હાહાકાર મચી ગયો છે. દેશના મુખ્ય શહેર કરાચીમાં ટામેટાની કિંમત પ્રતિ કિલોગ્રામ વધીને 300થી 320 રૂપિયા થઈ ગઈ છે. ચાલુ મહિનાના બીજા સપ્તાહમાં ઉપભોક્તાઓને પ્રતિ કિલો ટામેટા માટે 300 રૂપિયાથી વધારે રૂપિયા ચૂકવવા પડ્યા છે. મોટાભાગના લોકો મોંઘા ટામેટા ખરીદવા માટે સક્ષમ નથી. અફઘાનિસ્તાન અને સ્વાતની ડુંગળી બજારમાં આવવા છતાં રિટેલ વેપારીઓએ ડુંગળીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90થી વધારીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરી દીધી છે.


ડુંગળીનું મૂલ્ય 70 રૂપિયા પ્રતિ કિલો છે. સિંધમાં ડુંગળીનો પાક ચાલુ મહિનાના અંતથી વધી શકે છે પરંતુ વેપારીઓએ પહેલા જ કિંમત વધારી દીધી છે. ઉંચી કિંમતોની સાથે ડુંગળી શ્રીલંકા, સુદૂર પૂર્વ અને બાંગ્લાદેશમાં 550 ડૉલર પ્રતિ ટન પર પણ નિકાસ કરવામાં આવી રહી છે.

ટામેટાના સંકટ પર વેપારીઓએ કહ્યુ કે જથ્થાબંધ ટામેટાનો ભાવ 240થી ઘટીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ કે છુટક વેપારી કેવી રીતે કિંમત વધારીને ગ્રાહકોને વેચી રહ્યા છે.

આજકાલ કેટલાક લોકો કિલોમાં ખરીદવાને બદલે પોતાની જરૂર અનુસાર એક કે બે ટામેટા ખરીદી રહ્યા છે. કેટલાક રિટેલર 250 ગ્રામ માટે 80 રૂપિયા અને એક કિલો માટે 300 રૂપિયા વસૂલી રહ્યા છે.