India Gifts INS Kirpan To Vietnam : ચીન નાપાક ઈરાદાઓ સાથે ચારેકોરથી ભારતને ભિંસવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે ભારતે પણ ચીનને તેની જ ભાષામાં સણસણતો જવાબ આપતા ડ્રેગનને તેનોં જ ફૂંફાડો ભારે પડશે. ભારતે આક્રમક પગલુ ભરતા વિયેતનામને ઘાતક એવું સ્વદેશી જંગી જહાંજ INS કિરપાણ ભેટમાં આપશે. ચીન ભારત વિરૂદ્ધ ષડયંત્રના ભાગરૂપે પાકિસ્તાનને મદદ કરે છે હવે ભારતે પણ કંઈક આવો જ વ્યુહ અપનાવતા ચીન તેના સીમાડે જ બરાબરનું ઘેરાશે.
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર આજે શનિવારે દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય મથક પર વિયેતનામી નૌકાદળને ઓપરેશનલ સ્વદેશી યુદ્ધ જહાજ 'કિરપાણ' ભેટ કરશે. એવું માનવામાં આવે છે કે, આ પગલાથી ભારત ચીનને તેના જ ઘરમાં ઘેરી શકશે.
જાહેર છે કે, અન્ય પડોશીઓની જેમ ચીનનો વિયેતનામ સાથે પણ જમીનને લઈને વિવાદ છે. વિયેતનામ ઉત્તરમાં ચીન અને પૂર્વમાં દક્ષિણ ચીન સમુદ્રની સરહદ ધરાવે છે. ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ છે. કારણ કે, 1979ના ચીન-વિયેતનામ યુદ્ધમાં ભારતે વિયેતનામની મદદ કરી હતી, જેના કારણે ચીનને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.
ભારતની વ્યૂહરચના ક્યારેય ચીનની જેમ વિસ્તરણવાદની રહી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, વિયેતનામને ભેટમાં આપેલું INS કિરપાણ બેકાબૂ ડ્રેગનને ઘેરવામાં કામમાં આવી શકે છે.
આઈએનએસ કિરપાણ 8 જુલાઈના રોજ વિયેતનામ પહોંચ્યું
આઈએનએસ કિરપાણ, સ્વદેશી રીતે નિર્મિત મિસાઈલથી સજ્જ કોર્વેટ, 8 જુલાઈના રોજ કેમ રાન્હ ઈન્ટરનેશનલ પોર્ટ પર પહોંચ્યું હતું અને વિયેતનામીસ પીપલ્સ નેવી દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતથી વિયેતનામની સફરમાં આ યુદ્ધજહાજમાં તિરંગો ગર્વથી લહેરાતો હતો.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં ટોચના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ જહાજ વિયેતનામના નેવલ બેઝ પર પહોંચી રહ્યું છે. ત્યાં પહેલા તેને ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત કરવામાં આવશે. ત્યાર બાદ ભારતીય નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર તેને વિયેતનામ નેવીને સોંપશે.
આ યુદ્ધ જહાજ અનેક અભિયાનોમાં સામેલ
INS કિરપાણ એ ત્રીજી સ્વદેશી નિર્મિત ખુકરી ક્લાસ મિસાઈલ કોર્વેટ છે. તે ઘણા હથિયારો અને સેન્સરથી સજ્જ છે. તે અત્યાર સુધીમાં ઘણા ઓપરેશનલ અને માનવતાવાદી સહાય કામગીરીમાં સામેલ છે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, એડમિરલ આર હરિ કુમાર હાઈ ફોંગ ખાતે વિયેતનામ પીપલ્સ નેવી હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે અને વાઈસ એડમિરલ ટ્રાન થાન્હ ન્ગીમ, સીઆઈએનસી, વિયેતનામ પીપલ્સ નેવી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાનને પણ મળશે.