Manipur Violence: ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર છેલ્લા 80 દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન બુધવારે મોડી રાત્રે એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવામાં આવી હતી. અમેરિકાએ મહિલાઓની આ જાતીય સતામણી પર ટિપ્પણી કરી છે. અમેરિકાએ અગાઉ પણ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે ટિપ્પણી કરી હતી.


મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસા વચ્ચે મહિલાઓના યૌન ઉત્પીડનના વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતા ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ કહ્યું કે મણિપુરમાં ચાલી રહેલી હિંસા એ ભારતનો આંતરિક મામલો છે. પરંતુ જ્યારે પણ હું ક્યાંક આવી હિંસા જોઉં છું ત્યારે મારું દિલ દુખે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં આયોજિત એક કાર્યક્રમમાં ગારસેટ્ટીએ આ ટિપ્પણી કરી હતી.


મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો પર અમેરિકાએ વ્યક્ત કર્યું દુખ


મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા વચ્ચે બુધવારે મોડી રાત્રે એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં મણિપુરના કાંગપોકપી જિલ્લાના એક ગામમાં કુકી-જોમી સમુદાયની બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવામાં આવી રહી છે. મણિપુર પોલીસે જણાવ્યું છે કે આ વીડિયો 4 મેનો છે. અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


આવી ઘટનાઓ હૃદયદ્રાવક છે: યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી


ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટી હાલમાં અમેરિકી અધિકારીઓ સાથે પરામર્શ માટે વોશિંગ્ટનમાં છે. આ દરમિયાન મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી નિર્દયતા સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું, "મેં હજુ સુધી વિડિયો જોયો નથી. આ વિશે હું પહેલીવાર સાંભળી રહ્યો છું. મણિપુરમાં ચાલી રહેલી હિંસા એ ભારતનો આંતરિક મામલો છે. પરંતુ મેં પહેલા કહ્યું તેમ જ્યારે પણ આવી ઘટના બને છે ત્યારે માનવીય દર્દ થાય છે અને આપણું હૃદય તૂટી જાય છે. પછી તે આપણા પડોશમાં હોય કે વિશ્વભરમાં. અથવા આપણે જ્યાં રહીએ છીએ તે દેશમાં.


આ ભારતનો આંતરિક મામલો 


ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા અમેરિકી રાજદૂતે વધુમાં કહ્યું કે, "અમારા વિચારો ભારતીય લોકો સાથે છે. માનવ તરીકે, અમે હંમેશા આવા દર્દ અને વેદના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીએ છીએ."અગાઉ 6 જુલાઈના રોજ કોલકાતામાં અમેરિકન સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગારસેટ્ટીએ તેને માનવતાવાદી સમસ્યા ગણાવી હતી અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે મદદની ઓફર કરી હતી.તેમણે કહ્યું હતું કે, "મણિપુરમાં હિંસા માનવીય સમસ્યા છે. અમે ત્યાં શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ કે તે ભારતનો આંતરિક મામલો છે. પરંતુ જો પૂછવામાં આવે તો અમે કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છીએ."