Global COVID-19 Summit: બ્રિટનના નવા ટ્રાવેલ નિયમો વચ્ચે વડાપ્રધાન મોદીએ બુધવારે કહ્યું કે વેક્સિનેશન સર્ટિફિકેટની પરસ્પર માન્યતા મારફતે આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવો જોઇએ. વડાપ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ  બાઇડેન તરફથી આયોજીત ગ્લોબલ કોવિડ-19 સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા.


 






નોંધનીય છે કે કોવિશિલ્ડને માન્યતા આપવાનો બ્રિટને ઇનકાર કરતા ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બ્રિટિશ સરકારે કોવિશિલ્ડને પોતાની ટ્રાવેલ એડવાઇઝરીમાં સામેલ કરી હતી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે કોવિશિલ્ડને યાત્રા સંબંધી બ્રિટિશ દિશાનિર્દેશોમાં મંજૂરી આપવામાં આવી હોય પરંતુ તેના બે ડોઝ લઇ ચૂકેલા ભારતીય પ્રવાસીઓને બ્રિટનમાં હજુ પણ 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. બ્રિટનના અધિકારીઓનું કહેવું છે કે મુખ્ય મુદ્દો વેક્સિન સર્ટિફિકેટનો છે નહી કે કોવિશિલ્ડનો. તેમણે કહ્યું કે, બંન્ને પક્ષ આ મુદ્દા પર પરસ્પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ પર તેની ચિંતાઓને બ્રિટન દ્ધારા સમાધાન નહી કરવા પર વળતી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ભારતના વિદેશ સચિવે આ નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવ્યા હતા.


વડાપ્રધાન મોદીએ કોવિડ સંમેલનમાં કહ્યું કે, ભારતે 95 અન્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકો સાથે પોતાની રસી પુરી પાડી છે. ભારતમાં 20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે. ભારતમાં કોવિડની રસીનું ઉત્પાદન વધશે અમે અન્ય દેશોને પણ તેની સપ્લાય કરવામાં સક્ષમ બનીશુ.



વડાપ્રધાને કહ્યુ કે, દુનિયાને રસી આપવા માટે કાચા માલની સપ્લાયની ચેઇન ખુલ્લી રાખવી જોઇએ. વડાપ્રધાન મોદી ચાર દિવસના પ્રવાસ પર બુધવારે અમેરિકા રવાના થયા હતા.