International News: ઈરાકના  ઉત્તરીય શહેર એર્બિલ નજીક એક યુનિવર્સિટીના હોસ્ટેલમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં 14 વિદ્યાર્થીના મોત થયા હતા અને અન્ય 18 ઘાયલ થયા હતા. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સરકારી મીડિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રમુખ કામરામ મુલ્લા મોહમ્મદે જાણકારી આપતાં જણાવ્યું કે, અરબીલના પૂર્વમાં એક નાના શહેર સોરાનમાં આગ લાગી હતી. જેમાં 14 લોકોના મોત થયા છે.






ઇરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે


ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે. આનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.


ભૂતકાળમાં આગની અનેક ઘટના


ઈરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે. જો કે આ ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે, પરંતુ ઈરાકમાં આવા અકસ્માતોમાં લોકો સૌથી વધુ જીવ ગુમાવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નથી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.