PBKS vs DC: IPL 2024 ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચંદીગઢ સ્થિત મહારાજા યાદવિંદર સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જો કે દિલ્હી બેટિંગમાં સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં અભિષેક પોરેલે 25 રન ફટકારીને દિલ્હીને 174 રનના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. પંજાબે લક્ષ્યનો પીછો કરવા માટે ઝડપી શરૂઆત કરી હતી. એક છેડેથી વિકેટો પડતી રહી, પરંતુ સેમ કરને છેલ્લી ઓવરો સુધી ક્રિઝ પર રહીને ટીમને જીત તરફ દોરી. પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું છે.


દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ટક્કર ચાલી રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા. જોકે, બંને ઓપનર પોતાની ઇનિંગને વધારે લંબાવી શક્યા ન હતા. માર્શે 20 અને વોર્નરે 29 રન બનાવ્યા હતા. પછી શાઈ હોપે શાનદાર બેટિંગ કરી અને કેટલાક મોટા શોટ ફટકાર્યા, જોકે તે પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. હોપના આઉટ થયા બાદ વિકેટો પડવાનો સિલસિલો યથાવત જોવા હતો. 454 દિવસ બાદ મેદાન પર પરત ફરેલા રિષભ પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પણ 18 રન બનાવી આઉટ થયો હતો. જો કે, છેલ્લી ઓવરમાં પોરેલે તોફાની બેટિંગ કરી અને ટીમને 174 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.


 






સેમ કરનની શાનદાર ફિફ્ટી


શિખર ધવને પંજાબ કિંગ્સને ઝડપી શરૂઆત અપાવી હતી. તેણે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા, પરંતુ જોની બેરસ્ટો 3 બોલમાં 9 રન બનાવીને રનઆઉટ થયો હતો. મધ્ય ઓવરોમાં પંજાબનો રન રેટ ઘણો નીચો રહ્યો અને અવાર-નવાર વિકેટો પડતી રહી. પ્રભસિમરન સિંહે 17 બોલમાં 26 રન બનાવ્યા હતા, પરંતુ સેમ કુરનની સમજદાર ઇનિંગે પંજાબ કિંગ્સને મેચમાં જાળવી રાખ્યું હતું. તેણે 47 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ખલીલ અહેમદે 19મી ઓવરમાં સતત 2 વિકેટ લઈને મેચને રોમાંચક બનાવી દીધી હતી. લિયામ લિવિંગસ્ટોનની 21 બોલમાં 38 રનની ઇનિંગને કારણે પંજાબ કિંગ્સે અંતે 4 વિકેટે જીત મેળવી હતી.