છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ બાદ માંડ બંને દેશો વચ્ચે 14 દિવસના શરતી શાંતિ કરારની જાહેરાત થઈ હતી, ત્યાં જ આ યુદ્ધવિરામ પર સવાલો ઊભા થઈ ગયા છે. યુદ્ધવિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના અત્યંત મહત્વના લાવન ટાપુ પર આવેલી એક મોટી તેલ રિફાઇનરી પર જોરદાર હુમલો થયો છે. આ ઘટનાએ આખી દુનિયાને વિચારતા કરી દીધી છે કે શું આ ખરેખર શાંતિ કરાર છે કે પછી યુદ્ધની કોઈ નવી રણનીતિ? હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે, પરંતુ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાંતિ વાટાઘાટો પહેલાં જ આ ધડાકાએ માહોલ ફરી તંગ કરી દીધો છે.
બુધવારે સવારે જ થયો ધડાકો
એસોસિએટેડ પ્રેસ (AP) દ્વારા ઈરાનના સરકારી ટેલિવિઝનને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટ મુજબ, શરતી યુદ્ધવિરામની જાહેરાત થઈ તેના થોડા જ કલાકો પછી બુધવારે સવારે લાવન ટાપુ પર આ મોટો હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:00 વાગ્યે રિફાઇનરીમાં હુમલો થયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઈરાની અધિકારીઓ અત્યારે એ તપાસમાં લાગ્યા છે કે શાંતિ કરાર લાગુ થયાના તરત જ આ રિફાઇનરીને કોણે નિશાન બનાવી.
ઈરાન માટે લાવન ટાપુ આટલો મહત્વનો કેમ છે?
પર્શિયન ગલ્ફ (અખાત) માં આવેલો લાવન ટાપુ ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે ઘણો અગત્યનો છે. તે લગભગ 78 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. ઈરાન આ ટાપુ પરથી જંગી માત્રામાં ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. અહીં એક બહુ મોટું ક્રૂડ ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ આવેલું છે અને મોટા પાયે તેલને રિફાઇન કરવાનું કામ પણ ત્યાં જ થાય છે. આ ઉપરાંત, આ લાવન ગેસ ક્ષેત્ર પ્રખ્યાત હોર્મુઝ સ્ટ્રેટથી લગભગ 450 થી 500 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. આવા આર્થિક રીતે સંવેદનશીલ સ્થળ પર હુમલો થવો એ ઈરાન માટે બહુ મોટો ફટકો છે.
અમેરિકન ઉપરાષ્ટ્રપતિની ચેતવણી
ઉલ્લેખનીય છે કે, 40 દિવસના સતત સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન આગામી 2 અઠવાડિયા સુધી એકબીજા પર હુમલો ન કરવા માટે સંમત થયા છે. પરંતુ આ હુમલા વચ્ચે, હંગેરીમાં એક કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ આ યુદ્ધવિરામને ખૂબ જ 'નાજુક કરાર' ગણાવ્યો છે. એટલું જ નહીં, આ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાનમાં યોજાનારી વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ તેમણે ઈરાન (તેહરાન) ને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે, જે સૂચવે છે કે બંને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનો માહોલ છે.
