તહેરાનઃ ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માથા પર આઠ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. ઇરાની મેજર જનરલ સુલેમાની અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, સુલેમાનીના જનાજા દરમિયાન સતાવાર પ્રસારકોએ રવિવારે તમામ ઇરાનીને એક ડોલર આપવાની અપીલ કરી હતી. આ રકમ અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યા કરનારાઓને આપવામાં આવશે.


ઇરાનમાં આઠ કરોડ લોકો છે. ઇરાનની વસ્તીના આધાર પર અમે આઠ કરોડ ડોલરની રકમ એકઠી કરવા માંગીએ છીએ. જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારાઓને ઇનામના રૂપમાં આપવામાં આવશે. આઠ કરોડ ડોલરની રકમને જો ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો આ રકમ 5,75,42,48,000 રૂપિયા થાય. ટ્રમ્પના આદેશ પર ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશન ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડર સુલેમાની પર ત્રણ જાન્યુઆરીના રોજ ડ્રોન હુમલો થયો હતો. આ હુમલો બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર કરવામાં આવ્યો હતો. હુમલાની ઇરાને નિંદા કરી હતી. દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામેનેઇ અને રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકા પાસેથી બદલો લેવાનો સંકલ્પ લીધો હતો.