ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. શનિવારે અમેરિકાના હુમલા બાદ ઈરાને બદલો લીધો અને રાજધાની તેલ અવીવ સહિત ઇઝરાયલના 10 શહેરો અને હાઇફા જેવા શહેરો પર હુમલો કર્યો. આ હુમલાઓને કારણે આસપાસના વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
ઇઝરાયલના સરકારી પ્રસારક કન (kan) અનુસાર, ઈરાનના તાજેતરના મિસાઇલ હુમલામાં ઇઝરાયલમાં 10 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હવાઈ હુમલા દરમિયાન ચેતવણીના સાયરન વાગવા લાગ્યા, જેના કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો.
આ દરમિયાન, ઈરાનીઓએ હુમલો વધુ તીવ્ર બનાવ્યા પછી ઇઝરાયલી એરપોર્ટ ઓથોરિટીએ ઇઝરાયલનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.
IAA એ હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું
IAA એ હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, સુરક્ષા પરિસ્થિતિને કારણે દેશનું હવાઈ ક્ષેત્ર બધી ફ્લાઇટ્સ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ઇઝરાયલની મુખ્ય એરલાઇન્સ, અલ અલ ઇઝરાયલ એરલાઇન્સ અને આર્કિયા એરલાઇન્સે પણ આગામી સૂચના સુધી તમામ બચાવ અને નિયમિત ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. દરમિયાન, ઇજિપ્ત અને જોર્ડન સાથેના લેન્ડ ક્રોસિંગ ખુલ્લા રહેશે, જે નાગરિકો અને પ્રવાસીઓ માટે વૈકલ્પિક માર્ગો પૂરા પાડશે.
હાઈફામાં બાળકોને બચાવી રહેલા સુરક્ષા કર્મચારીઓ
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઈરાન દ્વારા મિસાઈલ છોડવામાં આવ્યા બાદ એક બચાવમકર્મી ઈઝરાયલી શહેર હાઈફામાંથી બાળકોને બહાર કાઢી રહ્યા છે. ઈરાને આજે ઈઝરાયલના ઘણા શહેરો પર મિસાઈલ છોડ્યા છે. ઈઝરાયલના ઘણા શહેરોમાં સાયરન વાગી રહ્યા છે.
ઈરાની મિસાઈલોનો વરસાદ
અમેરિકાના પરમાણુ ઠેકાણા પરના હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોનો હુમલો કર્યો છે. ઉત્તર ઈઝરાયલમાં સાયરન વાગી રહ્યા છે અને ઈરાની મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન: ઈરાન
AEOI એ અમેરિકાના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે અમે કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ અને વૈશ્વિક મંચો પર અમેરિકાની નિંદા કરીશું. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પણ સમર્થન માંગ્યું અને શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમના અધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ખૂબ જ સફળ ગણાવ્યા અને કહ્યું કે અમે ફોર્ડો જેવા કિલ્લેબંધીવાળા સ્થળને પણ નષ્ટ કરી દીધું. અમારા B-2 સ્ટીલ્થ બોમ્બર્સે લક્ષ્યને સચોટ રીતે હિટ કર્યું. અમેરિકાએ આ માટે 6 GBU-57 MOP બોમ્બનો ઉપયોગ કર્યો અને નતાંઝ અને ઇસ્ફહાન પર 30 ટોમાહોક મિસાઇલ ફેંકવામાં આવી હતી.