Trump New York Post Interview: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે હવે બીજા રાઉન્ડની વાતચીત પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સંકેત આપ્યો છે કે આગામી 2 દિવસની અંદર પાકિસ્તાનની ધરતી પર આ મહત્વની મંત્રણા થઈ શકે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન ફરી એકવાર આ વૈશ્વિક કટોકટીમાં વચેટિયા (મધ્યસ્થી) તરીકે મોટી ભૂમિકા ભજવવા અને પ્રાદેશિક શાંતિ પ્રક્રિયાના કેન્દ્રમાં પોતાને સ્થાપિત કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે.

ટ્રમ્પે કર્યા પાકિસ્તાન અને મુનીરના વખાણ

Continues below advertisement
Continues below advertisement

અમેરિકન અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ' ના એક લેટેસ્ટ અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે આ મંત્રણા માટે પાકિસ્તાનની ભૂમિકા અને ખાસ કરીને ત્યાંના લશ્કરી નેતૃત્વ (આર્મી ચીફ અસીમ મુનીર) ના ખુલ્લા મોંઢે વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આવી ગંભીર અને મહત્વની વાટાઘાટો એવા જ દેશમાં થવી જોઈએ જે આખા મુદ્દા સાથે સીધી રીતે જોડાયેલો હોય, નહીં કે કોઈ એવા દેશમાં જેને આ સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા જ ન હોય.

"આગામી 2 દિવસમાં ગમે તે થઈ શકે છે": ટ્રમ્પ

આ અહેવાલમાં એક રસપ્રદ કિસ્સો પણ ટાંકવામાં આવ્યો છે. 'ધ પોસ્ટ' ના રિપોર્ટર સાથે અમેરિકા ઈરાન વચ્ચે ભવિષ્યમાં થનારી વાતચીત અંગે ચર્ચા કર્યાના થોડા જ સમય બાદ, ટ્રમ્પે લેટેસ્ટ અપડેટ આપવા માટે તે રિપોર્ટરને સામેથી ફરી ફોન કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, "તમારે ત્યાં (પાકિસ્તાનમાં) રહેવું જોઈએ, કારણ કે આવતા 2 દિવસમાં ગમે તે થઈ શકે છે. અમે ત્યાં જવા માટે પૂરી રીતે તૈયાર છીએ." તેમણે આગળ એમ પણ ઉમેર્યું કે, "આ મંત્રણા સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે છે કારણ કે ત્યાંના ફિલ્ડ માર્શલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે."

ટ્રમ્પ અને મુનીર વચ્ચેનો 'ઓપરેશન સિંદૂર' વખતનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ 'ફિલ્ડ માર્શલ' મુનીરનો ઉલ્લેખ કર્યો હોય. અસીમ મુનીર સાથે ટ્રમ્પના સંબંધોનો તાર ભારતના પાકિસ્તાન વિરુદ્ધના 'ઓપરેશન સિંદૂર' સાથે પણ જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાના જડબાતોડ જવાબરૂપે ભારતે પાકિસ્તાન પર આ મોટી લશ્કરી કાર્યવાહી કરી હતી. તે સમયે ટ્રમ્પે એવો મોટો દાવો કર્યો હતો કે તેમના દબાણ અને દરમિયાનગીરીના કારણે જ આ યુદ્ધ અટક્યું હતું, જોકે ભારતે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.