Iran React On US Attack: અમેરિકા તરફથી શનિવારે (21 જૂન 2025) ઈરાનમાં ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન સ્થિત ત્રણ મુખ્ય પરમાણુ સ્થળો પર B-2 સ્ટીલ્થ બોમ્બર્સ અને ક્રુઝ મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ પછી ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠન (AEOI) એ રવિવારે (22 જૂન 2025) પહેલું સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. AEOI એ કહ્યું કે અમારા બધા પરમાણુ સ્થળો સુરક્ષિત છે. કોઈ રેડિયેશન લીક થયું નથી અને તપાસમાં કોઈ નુકસાન થયું નથી.
ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠને સ્પષ્ટ કર્યું કે તેમના પરમાણુ કાર્યક્રમને અમેરિકાના હુમલાઓથી અસર થશે નહીં. અમારો પરમાણુ કાર્યક્રમ એક રાષ્ટ્રીય ઔદ્યોગિક પ્રોજેક્ટ છે, જેને અમે કોઈપણ કિંમતે ચાલુ રાખીશું. આ નિવેદન અમેરિકાના દાવાના સીધા વિરોધમાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ફોર્ડો ન્યૂક્લિયર સાઇટ હવે બરબાદ થઈ ગઇ છે.
રેડિયેશન લીડ વિશે અટકળોનો અંત
AEOI એ બોમ્બ ધડાકા પછી વૈશ્વિક સ્તરે રેડિયેશન લીકેજ વધવાની આશંકાને પણ ફગાવી દીધી. તેમણે પુષ્ટી આપી કે સુરક્ષા તપાસમાં બધા કેન્દ્રો રેડિયેશન-મુક્ત મળી આવ્યા હતા. તેમણે જનતાને અપીલ કરી તે ડરે નહીં. તેમના બધા પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત છે. આ નિવેદન આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીઓને પણ સંકેત આપે છે કે ઈરાન તેની સુરક્ષા પારદર્શિતા બતાવવા માંગે છે.
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન: ઈરાન
AEOI એ અમેરિકાના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે અમે કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ અને વૈશ્વિક મંચો પર અમેરિકાની નિંદા કરીશું. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી પણ સમર્થન માંગ્યું અને શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમના અધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને ખૂબ જ સફળ ગણાવ્યા અને કહ્યું કે અમે ફોર્ડો જેવા કિલ્લેબંધીવાળા સ્થળને પણ નષ્ટ કરી દીધું. અમારા B-2 સ્ટીલ્થ બોમ્બર્સે લક્ષ્યને સચોટ રીતે હિટ કર્યું. અમેરિકાએ આ માટે 6 GBU-57 MOP બોમ્બનો ઉપયોગ કર્યો અને નતાંઝ અને ઇસ્ફહાન પર 30 ટોમાહોક મિસાઇલ ફેંકવામાં આવી હતી.