ઇરાકની રાજધાનીમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 30 લોકોના મોત થયા છે. જ્યારે 35 લોકો ઘાયલ થયા છે. આ બોમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સમુહે લીધી છે. ટેલિગ્રામ ગ્રુપ પર પોતાનો મેસેજ મોકલતા ISએ જણાવ્યું કે અબૂ હમજા અલ નામના હુમલાખોરે સોમવારે બગદાદના શહેરમાં ભીડની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો. લોકો ઇદની ખરીદી કરી રહ્યા હતા ત્યારે જ બજારમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. 


નોંધનીય છે કે, ઈદના કારણે બજારમાં ભારે ભીડ હતી. ઈરાકના રાષ્ટ્રપતિ બરહમ સાલિહએ ગીચ વસ્તી ધરાવતા શિયા ઉપનગરમાં થયેલા બ્લાસ્ટને ગંભીર ગુનો ગણાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી. સૂત્રોમુજબ, મૃતકોમાં આઠ મહિલાઓ અને સાત બાળકો સામેલ છે.


વિસ્ફોટ પછી સોશિયલ મીડિયામાં શેર કરાયેલા વીડિયો ફુટેજમાં લોહીથી લથપથ પીડિત અને લોકો ડરીને બૂમો પાડતા દેખાઈ રહ્યાં છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કેટલીક દુકાનોની છત પણ ફાટી ગઈ. ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ બજારના ક્ષેત્ર માટે જવાબદાર સંધીય પોલિસ રેજિમેન્ટના કમાન્ડરની ધરપકડનો આદેશ આપ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે તેની તપાસ કરાઇ રહી છે.


નોંધનીય  છે કે, આ વર્ષે આ ત્રીજી વખત બજારમાં બ્લાસ્ટ થયો છે. ઈસ્લામિક સ્ટેટ આ પહેલા પણ બગદાદમાં ઘણા બ્લાસ્ટ કરી ચુક્યું છે. અગાઉ જાન્યુઆરીમાં ઈસ્લામિક સ્ટેટ સમુહે એક આત્મધાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી. તેમાં 32 લોકોના મૃત્યુ થયા હતા. તે પણ બગદાદના બજારમાં થયો હતો.