Iraq News: સોમવારે ઈરાકના શિયા ગુરુ અને મૌલવી મુકતદા અલ-સદરે (Muqtada al-Sadr) રાજનીતિ છોડવાનો નિર્ણય લીધો હતો, જે બાદ ઈરાકમાં હિંસા (Violence In Iraq) શરૂ થઈ ગઈ છે. શિયા ગુરુના આ નિર્ણયથી તેમના સમર્થકોમાં નારાજગી વધી ગઈ અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ હિંસા આજે મંગળવારે પણ ચાલુ છે. તાજેતરની માહિતી અનુસાર, ઇરાકના સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓે વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે.


ઈરાકમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. પ્રદર્શનકારીઓના ટોળાએ રાષ્ટ્રપતિ ભવન (Iras President House) અને સરકારી ઈમારતોમાં તોડફોડ કરી છે. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો ટીયર ગેસના શેલ પણ છોડી રહ્યા છે. આ દરમિયાન કંઈક એવું પણ જોવા મળ્યું જે ખૂબ જ આશ્ચર્યજનક છે. ભીડમાંથી કેટલાક લોકો રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા હતા.




રાષ્ટ્રપતિ આવાસ અને સરકારી ઈમારતો પર રોકેટ દાગવામાં આવ્યાઃ


બગદાદમાં (Baghdad) અમેરિકી દૂતાવાસ નજીક ઈરાકી કાત્યુષા રોકેટ છોડવામાં આવ્યા હતા. બગદાદમાં વિસ્ફોટોના અવાજ સતત આવી રહ્યા હતા. અમેરિકી દૂતાવાસ પાસે રોકેટ પડવાના પણ સમાચાર મળ્યા છે. બગદાદના રાષ્ટ્રપતિ આવાસ અને સરકારી ઈમારતો પર પણ રોકેટ છોડવામાં આવ્યા છે તે રીતે સ્થિતિ કેટલી બગડી છે તેનો તમે અંદાજો લગાવી શકો છો. બગદાદના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રોકેટ હુમલાના અહેવાલ મળ્યા છે.


ઈરાકમાં કેમ શરુ થઈ અથડામણોઃ


ઈરાકમાં નવી સરકાર બનાવવા માટે છેલ્લા એક મહિનાથી મડાગાંઠ ચાલી રહી છે. શિયા મૌલવી મુકતદા અલ-સદરના સમર્થકો દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષ અને ભ્રષ્ટાચારનો સામનો કરવા ઈરાકમાં આંદોલન કરી રહ્યા છે. શિયા ધર્મગુરુ ઈરાકની રાજનીતિ પર અમેરિકા અને ઈરાનનો પ્રભાવ ખતમ કરવાના પક્ષમાં હતા. તેઓ સંસદ ભંગ કરીને વહેલી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકારણ છોડવાની જાહેરાત કરતાં માહોલ ગરમાયો છે. ત્યાર બાદ મુકતદા અલ-સદરનાના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. આ અથડામણોમાં અત્યાર સુધીમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.