Ismail Haniye Death: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થઇ ગયુ છે. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા, તેહરાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. જો કે ઈરાની મીડિયા આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે.


બીજીતરફ હમાસે પણ પોતાના ચીફ હાનિયાના મોત પર પ્રતિક્રિયા આપી છે. હમાસ સાથે જોડાયેલા શેહાબ ન્યૂઝ આઉટલેટે હમાસના અધિકારી મૌસા અબુ મારઝૌકને ટાંકીને કહ્યું કે આ હત્યા કાયરતાનું કૃત્ય છે. એટલું જ નહીં, હમાસે કહ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત વ્યર્થ નહીં જાય. હમાસે આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.


હમાસે ઇઝરાયેલને ગણાવ્યુ જવાબદાર 
ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે બુધવારે તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. હકીકતમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલાખોરોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકોના મોત થયા હતા. જ્યારે 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ હમાસના ટોચના નેતાઓ ઈઝરાયેલના નિશાના પર છે.


હાનિયા 2019માં ગાઝા પટ્ટી છોડીને કતારમાં રહેતો હતો. ગાઝામાં હમાસના ટોચના નેતા યેહ્યા સિનવાર છે, જેમણે 7 ઓક્ટોબરના હુમલાની યોજના બનાવી હતી. આ પહેલા એપ્રિલમાં હાનિયાના પરિવાર પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના ત્રણ પુત્રો અને ચાર પૌત્રો માર્યા ગયા હતા. હમાસે આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. થોડા સમય પહેલા ઈસ્માઈલ હાનિયાએ કહ્યું હતું કે ઈઝરાયેલ સાથેના આ યુદ્ધમાં તેના પરિવારના 60 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલ સાથેના આ યુદ્ધમાં પેલેસ્ટાઈનમાં અત્યાર સુધીમાં લગભગ 38 હજાર લોકોના મોત થયા છે.