ગયા અઠવાડિયે શનિવારે ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સ પર થયેલા હુમલા બાદ ખાડી ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. ઈઝરાયલે આ માટે લેબનોનના ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહને જવાબદાર ઠેરવ્યું હતું અને તેને પાઠ ભણાવવાની વાત પણ કરી હતી. હવે ઇઝરાયલે દાવો કર્યો છે કે લેબનોનની રાજધાની બેરૂત પર હુમલો સફળ રહ્યો હતો જેમાં હિઝબુલ્લાહ કમાન્ડરો પૈકી એકને ઠાર મારવામાં આવ્યો હતો






ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે મંગળવારે રાજધાની બેરૂતમાં ઉગ્રવાદી હિઝબુલ્લાહ કમાન્ડર ફઉદ શુકર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તે માર્યો ગયો છે. આ સાથે હુમલો પૂર્ણ થયો છે અને યુદ્ધ શરૂ કરવાની અમારી કોઇ ઇચ્છા નથી. ફઉદ શુકર વિશે માહિતી આપનારને અમેરિકાએ 5 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. જોકે, લેબનીઝ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે હિઝબુલ્લાહ કમાન્ડરની હાલત વિશે હજુ કંઈ કહી શકાય નહીં.






કમાન્ડર શુકર લાંબા સમયથી હિઝબુલ સાથે સંકળાયેલો છે. તે ઉગ્રવાદી જૂથના સેક્રેટરી જનરલ હસન નસરલ્લાહના મિલિટ્રી એડવાઇઝર હતો. શુકરે 1983માં બેરૂતમાં યુએસ મરીન કોર્પ્સ બેરેક પરના હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અમેરિકન સેના સાથે જોડાયેલા 241 લોકો માર્યા ગયા હતા.






'ગોલન હાઇટ્સ' પર હુમલા માટે જવાબદાર હતો


ઈઝરાયલની સેનાએ કમાન્ડર ફઉદ શુકર વિશે દાવો કર્યો હતો કે તે ગોલાન હાઈટ્સ પર હુમલા માટે જવાબદાર હતો. શનિવારે ગોલાન હાઇટ્સમાં ફૂટબોલ મેદાન પર થયેલા રોકેટ હુમલામાં 12 બાળકો અને કિશોરોના મોત થયા હતા.


ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "IDF એ બેરૂતમાં મજદલ શમ્સમાં બાળકોની હત્યા અને અન્ય ઘણા ઇઝરાયલી નાગરિકોની હત્યા માટે જવાબદાર કમાન્ડર પર લક્ષ્યાંકિત હુમલો કર્યો હતો." તેણે વધુમાં કહ્યું કે તેણે હુમલા બાદ ઈઝરાયેલમાં નાગરિક સુરક્ષા માટે કોઇ નવા નિર્દેશ જાહેર કર્યા નથી.