ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનાનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી છે, જે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઈનો અંત લાવે તેવી અપેક્ષા છે. આ નિર્ણય પહેલા ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.






ઇઝરાયલની સેનાએ છેલ્લા 24 કલાકમાં લેબનીઝ રાજધાની પર અનેક હવાઈ હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ છોડ્યા હતા. વડાપ્રધાન નેતન્યાહુએ યુદ્ધવિરામ પાછળ ત્રણ મુખ્ય કારણો આપ્યા. આમાં ઈરાન તરફથી વધી રહેલા ખતરા પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઈઝરાયલી સૈન્યને ફરીથી સશક્ય બનાવવી અને હમાસને વિવિધ મોરચાઓથી અલગ પાડવાનું સામેલ થાય છે.






કરારની શરતો શું હશે?


યુદ્ધવિરામ પછી પ્રદેશમાં અસ્થાયી શાંતિની સંભાવના છે, જો કે બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા તણાવથી પ્રાદેશિક સ્થિરતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. લેબનીઝ મીડિયા અનુસાર, લેબનોનમાં યુદ્ધવિરામ કરાર બુધવારે સવારે 10 વાગ્યે શરૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઈમેન્યુઅલ મેક્રોન આ કરારની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ કરાર અમેરિકા અને ફ્રાન્સ દ્વારા મધ્યસ્થી દ્ધારા કરવામાં આવ્યો હતો. કરારની શરતો શું હશે, તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. જોકે, ઈઝરાયલના એક અધિકારીએ કહ્યું કે યુદ્ધવિરામનો અર્થ એ નથી કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ઈઝરાયલ હજુ પણ કોઈપણ ધમકીનો જવાબ આપવા સક્ષમ હશે.






લેબનીઝ વિદેશ મંત્રીએ શું કહ્યું?


યુદ્ધવિરામના સંદર્ભમાં અધિકારીઓએ માહિતી આપી હતી કે ઇઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબનોનમાંથી પીછેહઠ કરવી પડશે. લેબનીઝના વિદેશ મંત્રી અબ્દુલ્લા બૌ હબીબે જણાવ્યું હતું કે ઇઝરાયલી સૈનિકો હટાવ્યા બાદ લેબનીઝ આર્મી દક્ષિણ લેબનાનમાં ઓછામાં ઓછા 5,000 સૈનિકો તૈનાત કરવા માટે તૈયાર હશે. તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયલના હુમલાથી નાશ પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ફરીથી નિર્માણ માટે અમેરિકા ભૂમિકા ભજવી શકે છે.


યુએનએ ચિંતા વ્યક્ત કરી હતી


યુદ્ધવિરામની જાહેરાત બાદ ઇઝરાયલે લેબનોન પર હવાઈ હુમલો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા. યુએનએ પણ મૃત્યુઆંક વધવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુએનએ કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં મહિલાઓ, બાળકો અને ડૉક્ટરો સહિત લગભગ 100 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.


યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા


હિઝબુલ્લાહે સપ્ટેમ્બરમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો જેના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના આ હુમલામાં હિઝબુલ્લાના વડા સૈયદ હસન નસરુલ્લાહ માર્યા ગયા હતા. આ સાથે મુખ્ય કમાન્ડરો પણ મૃત્યુ પામ્યા હતા. લેબનાને કહ્યું કે ઑક્ટોબર 2023માં શરૂ થયેલા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં ઓછામાં ઓછા 3,768 લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના છેલ્લા બે મહિનામાં છે. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 82 સૈનિકો અને 47 નાગરિકો માર્યા ગયા છે.