Israel Hamas War: ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય મંચ પર હમાસના હુમલાની આકરી ટીકા કરી રહ્યું છે. ગુરુવારે અમેરિકી વિદેશ મંત્રીએ ઈઝરાયેલની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે એન્ટની બ્લિંકનને કેટલીક એવી તસવીરો બતાવી છે જેમાં બાળકોને ગોળી મારવામાં આવી છે અથવા તો સળગાવી દેવામાં આવ્યા છે.


શનિવારના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા વિસ્તારમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ સાથે ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને 24 કલાકની અંદર ત્યાંથી બહાર કાઢવા માટે કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું છે કે આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. આ ગાઝાની અડધી વસ્તી છે. સંયુક્ત રાષ્ટ્રએ અપીલ કરી છે કે ઇઝરાયેલ આ આદેશ પાછો ખેંચે.


સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે ઈઝરાયેલ જે 11 લાખ લોકોને વિસ્તાર છોડવાનું કહી રહ્યું છે તે ગાઝાની સમગ્ર વસ્તીના 50 ટકા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું, "આવું અશક્ય છે, જો આમ કરવામાં આવશે તો માનવતાને નેવે મુકવી પડશે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે." ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલે ગાઝા વિસ્તારમાં લગભગ 3 લાખ રિઝર્વ ફોર્સ તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એર સ્ટ્રાઈક સિવાય ઈઝરાયેલ ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી કરી રહ્યું છે. બીબીસી અનુસાર, ઈઝરાયેલે ગાઝા સરહદ પર ટેન્ક અને આર્ટિલરી તૈનાત કરી છે.


યુએનની પ્રતિક્રિયા પર ઈઝરાયેલે શું કહ્યું?


ઇઝરાયેલના રાજદૂતે ઉત્તરી ગાઝાને ખાલી કરવાના ઇઝરાયેલના આદેશ પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિભાવ સામે વાંધો વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડાને કહ્યું છે કે યુએનનો જવાબ 'શરમજનક' છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ ગાઝાના લોકોને પહેલા ચેતવવા માંગે છે અને હમાસ વિરુદ્ધ ઓપરેશનમાં નિર્દોષોના મોત નથી ઈચ્છતા.


નોંધનીય છે કે હમાસના હુમલામાં 1,300થી વધુ ઈઝરાયેલના લોકોના મોત થયા છે, જ્યારે ગાઝા પર ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 1,500થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. અલ જઝીરા અનુસાર ગાઝામાં 6 દિવસમાં 22 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.10 હોસ્પિટલો અને 48 શાળાઓને પણ નુકસાન થયું છે. યુએનના જણાવ્યા અનુસાર ગાઝામાં 3 લાખથી વધુ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.