Israel Palestine Conflict: હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની વચ્ચે, રવિવારે (22 ઓક્ટોબર), ઇઝરાયેલી સેનાએ તેના X હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે તેની ટેન્કે કેરેમ શાલોમ વિસ્તારમાં સરહદને અડીને આવેલી ઇજિપ્તની પોસ્ટ પર ભૂલથી હુમલો કર્યો હતો. IDFએ આ ઘટના અંગે દુખ પણ વ્યક્ત કર્યું છે.


 






IDFએ પોતાની પોસ્ટમાં શું કહ્યું ?


ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ રવિવારે રાત્રે 9:03 વાગ્યે તેના X હેન્ડલ પર આ અંગે પોસ્ટ કરી હતી. થોડા સમય પહેલા એક IDF ટેંકે આકસ્મિક રીતે ફાયર કર્યું  અને કેરેમ શાલોમ વિસ્તારમાં ઇજિપ્તની બોર્ડર પોસ્ટને નિશાન બનાવી હતી.  આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને વિગતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. IDFએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ દરમિયાન ઇઝરાયલી દળોએ કહ્યું છે કે તેઓ જમીની હુમલાની ઉમ્મિદ પ્રમાણે ગાજા પર હુમલો વધારી રહ્યા છે.


ઇઝરાયેલના ગ્રાઉન્ડ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો - હમાસ


બીજી તરફ અલ જઝીરાના અહેવાલ મુજબ હમાસે કહ્યું છે કે તેણે ગાઝા બોર્ડર પર ખાન યુનિસ પાસે ઈઝરાયેલના ગ્રાઉન્ડ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, આ દરમિયાન ઇઝરાયલી દળોએ કહ્યું છે કે તેઓ ગાઝામાં જમીની હુમલાની અપેક્ષા પ્રમાણે હુમલા વધારી રહ્યા છે.


રફાહ ક્રોસિંગથી 17 ટ્રક મદદે આવી


અલ જઝીરાના અહેવાલ મુજબ, 17 ટ્રકોનો કાફલો મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય લઈને રફાહ ક્રોસિંગ દ્વારા ગાઝા પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગાઝા પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 266 પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણ ગાઝામાં થયા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જીવ ગુમાવનારાઓમાં 117 બાળકોનો સમાવેશ થાય છે.


આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે


તો બીજી તરફ, ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે ઇઝરાયેલમાં 1,400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. હમાસે બે બંધકો (અમેરિકન માતા અને પુત્રી)ને મુક્ત કર્યા છે. અત્યારે પણ તેની પાસે 200થી વધુ લોકોને બંધક છે. ઇઝરાયેલનું કહેવું છે કે તેણે અધિકૃત પશ્ચિમ કાંઠે જેનિન શરણાર્થી શિબિરમાં એક મસ્જિદ પર હુમલો કર્યો. તે જ સમયે, પેલેસ્ટિનિયન ડોકટરોએ ઓછામાં ઓછા એક વ્યક્તિના મૃત્યુની જાણ કરી છે.


પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWA એ કહ્યું છે કે તેના 29 કર્મચારીઓ ગાઝામાં માર્યા ગયા છે. "અમે આઘાત અને દુઃખમાં છીએ," UNRWA એ કહ્યું. હવે પુષ્ટિ થઈ છે કે 7 ઓક્ટોબરથી ગાઝામાં અમારા 29 સાથીદારો માર્યા ગયા છે. એજન્સીએ કહ્યું કે તેમાંથી અડધા શિક્ષકો હતા.