Hezbollah Chief: હિઝબુલ્લાએ સંગઠનના વડા નસરલ્લાહના મૃત્યુની પુષ્ટી કરી હતી. હિઝબુલ્લાહ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "હિઝબુલ્લાહના મહાસચિવ સૈયદ હસન નસરલ્લાહ તેમના મહાન અમર શહીદ સાથીઓમાં સામેલ થઇ ગયા છે. જેમણે લગભગ ત્રીસ વર્ષ સુધી નેતૃત્વ કર્યું હતુ. તેઓ 1992 માં ઇસ્લામિક પ્રતિરોધના શહીદોના ઉત્તરાધિકારી બન્યા હતા. 2002માં લેબનાનની મુક્તિ સુધી અને 2006માં વિજય અને સન્માન અને બલિદાનની તમામ લડાઈઓ સુધી, પેલેસ્ટાઈન, ગાઝા અને દલિત પેલેસ્ટિનિયન લોકોના સમર્થન અને વીરતાની લડાઇમાં પહોંચ્યા હતા. હિઝબુલ્લાહે વધુમાં જણાવ્યું હતું કે, "અમે તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. હિઝબુલ્લાહનું નેતૃત્વ બલિદાન અને શહીદોથી ભરેલા આપણા માર્ગમાં સર્વોચ્ચ, પવિત્ર અને સૌથી કિંમત શહીદને દુશ્મનનો સામનો કરવા, ગાઝા અને પેલેસ્ટાઈનને ટેકો આપવા અને લેબનાન અને તેમના દઢ અને સન્માનિય લોકોની રક્ષા કરવા માટે પોતાના જિહાદને યથાવત રાખવાની પ્રતિજ્ઞા કરે છે.
હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરલ્લાહના મૃત્યુ બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખમેનીએ કહ્યું કે ઈરાન હિઝબુલ્લાહની સાથે ઉભું છે અને તેને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે લેબનાનમાં નિઃશસ્ત્ર લોકોની હત્યાએ ફરી એકવાર તમામની સામે ક્રૂરતાનો પર્દાફાશ કર્યો અને બીજી તરફ નેતાઓની દૂરંદેશી અને મૂર્ખ નીતિને પણ સાબિત કરી હતી.
ઈરાનના ટોચના નેતાએ ઈઝરાયલને ધમકી આપતા કહ્યું કે દુશ્મનોએ પસ્તાવાનો વારો આવશે. તેમણે કહ્યું હતું કે, "એક તરફ લેબનાનમાં નિઃશસ્ત્ર નાગરિકોની હત્યાએ ફરી એકવાર જાયોનીવાદીઓની બર્બર પ્રકૃતિ તમામ લોકોની સામે લાવી દીધી છે. બીજી તરફ એ પણ સાબિત કરી દીધું છે કે કબજે કરનાર શાસનના નેતાઓની નીતિઓ કેટલી પાગલપનથી ભરેલી છે.
ઈરાનના ટોચના નેતા ખમેનીએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે ઈઝરાયલે દાવો કર્યો છે કે તેની સેનાએ હિઝબુલ્લાહના ટોચના નેતા નસરલ્લાહને મારી નાખ્યો છે. સાથે જ હિઝબુલ્લાએ પણ નસરલ્લાહના મોતની જાહેરાત કરી હતી. હિઝબુલ્લાએ પુષ્ટી કરી કે હસન નસરલ્લાહ શુક્રવાર (27 સપ્ટેમ્બર) ના રોજ ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
ખમેનીએ કહ્યું, "ગુનેગારોએ જાણવું જોઈએ કે તેઓ લેબનાનમાં હિઝબુલ્લાહના મજબૂત માળખાને કોઈ મોટું નુકસાન પહોંચાડવા માટે ખૂબ નાના છો. આ ક્ષેત્રમાં તમામ દળો હિઝબુલ્લાહની સાથે છે અને તેને સમર્થન આપે છે."