Israel Attack on Houthis: ઇઝરાયલની વાયુસેનાએ યમનમાં હૂતી બળવાખોર આતંકવાદી જૂથના લશ્કરી મથકો પર હુમલો કર્યો છે. ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાના સ્થળો નિશાન બનાવ્યા બાદ જ આ હુમલો કર્યો હતો. આ હુમલા યમનના રસ ઈસા અને હોદેઇદાહ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા. ઇઝરાયલના સૈન્યએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે  "આજે એક અભિયાનમાં ડઝનેક એરફોર્સ ફાઇટર પ્લેન્સે હૂતી બળવાખોરોના સૈન્ય મથકો પર હુમલાઓ કરવામાં આવ્યા છે.






ઇઝરાયલના સૈન્યએ કહ્યું કે IDFએ તેલની આયાત માટે ઉપયોગમાં લેવાતા પોર્ટ અને પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ સિવાય સેનાનો દાવો છે કે તેણે તે બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે જેનો ઉપયોગ ઈરાની હથિયારોના પરિવહન માટે કરવામાં આવી રહ્યો હતો.






ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું?


ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું હતું કે "મેં ઈઝરાયલની વાયુસેનાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી જ્યાં મેં આજે હૂતી આતંકવાદી સંગઠન વિરુદ્ધ હુમલાનું નીરિક્ષણ કર્યું હતુ. અમારો સંદેશ સ્પષ્ટ છે કે કોઈ જગ્યા અમારા માટે બહુ દૂર નથી."


હુમલા ક્યાં થયા?


ઇઝરાયલી સૈન્ય દ્વારા હુમલો કરાયેલા લક્ષ્યોમાં પાવર પ્લાન્ટ અને એક બંદરનો સમાવેશ થાય છે. તેઓનો ઉપયોગ હૂતી બળવાખોરો દ્વારા પ્રદેશમાં ઈરાની શસ્ત્રો ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત આ બેઝ પર સૈન્ય પુરવઠો અને તેલ પણ રાખવામાં આવ્યું હતું.


ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષથી હૂતીઓ ઇરાનના નિર્દેશ અને ભંડોળ હેઠળ અને ઇરાકી મિલિશિયા સાથે મળીને ઇઝરાયલ પર હુમલો કરવા, પ્રાદેશિક સ્થિરતાને નબળી પાડવા અને વૈશ્વિક શિપિંગની સ્વતંત્રતાઓને વિક્ષેપિત કરવા માટે કામ કરી રહ્યા છે.


લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સિડોન શહેરની નજીક આવેલા એન અલ-ડેબલ વિસ્તારમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં 24 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલે કહ્યું છે કે આ હુમલો હિઝબુલ્લાહના સ્થળો પર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે તે કોઈપણ સમયે તેની સેના તૈનાત કરવા માટે તૈયાર છે. તે ઈરાન અથવા તેના સમર્થકોને પરિસ્થિતિનો લાભ લેતા અથવા યુદ્ધને વધારવાથી રોકવા માટે પ્રતિબદ્ધ છે.


લેબનાનની સરકારની સમાચાર એજન્સી NNA અનુસાર, 23 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 36,000 થી વધુ સીરિયન અને 41,300 લેબનીઝ લોકો સરહદ પાર કરીને સીરિયામાં પ્રવેશ્યા છે. આ આંકડા લેબનાનના એક મંત્રીના રિપોર્ટ પર આધારિત છે.


US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ