Israel PM Netanyahu: ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા પહોંચ્યા હતા. અહીં તેઓ વ્હાઇટ હાઉસમાં રાત્રિભોજન પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ દરમિયાન નેતન્યાહૂએ નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવા અંગે વાત કરી હતી. પીએમ નેતન્યાહૂએ કહ્યું હતું કે હું તમને નોબેલ પુરસ્કાર સમિતિને મોકલવામાં આવેલ પત્ર રજૂ કરવા માંગુ છું. આમાં તમને શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે, જેના તમે લાયક છો અને તમને તે મળવો જોઈએ.

બેઠક દરમિયાન ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું હતું કે તેમણે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે. વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન તેમણે ટ્રમ્પને નોમિનેશન પત્ર સોંપ્યો હતો. તેમની બેઠકની શરૂઆતમાં પત્રકારો સાથે વાત કરતા નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ, અમેરિકા સાથે મળીને એવા દેશો શોધી રહ્યું છે જે પેલેસ્ટાઇનીઓને સારું ભવિષ્ય આપી શકે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈ બંધ કરી

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઘણી લડાઈઓ બંધ કરી દીધી છે, જેમાંથી સૌથી મોટી લડાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી. અમે તેને વેપારના મુદ્દા પર રોકી દીધી છે. અમે ભારત અને પાકિસ્તાન સાથે કામ કરી રહ્યા છીએ. અમે કહ્યું હતું કે જો તમે લડવા જઈ રહ્યા છો તો અમે તમારી સાથે બિલકુલ કામ કરીશું નહીં. તેઓ કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની સ્થિતિમાં હતા. આને રોકવું ખરેખર મહત્વપૂર્ણ હતું.

વેપાર સોદાઓ પર રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે ભારત સાથે સોદો કરવાની નજીક છીએ. અમે યુનાઇટેડ કિંગડમ અને ચીન સાથે કરાર કર્યો છે. અમે અન્ય દેશોને મળ્યા છીએ, અને અમને નથી લાગતું કે અમે ડીલ કરી શકીશું, તેથી અમે તેમને એક પત્ર મોકલી રહ્યા છીએ. જેમાં તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે કેટલો ટેરિફ ચૂકવવો પડશે. કેટલાક દેશો કદાચ થોડું એડજસ્ટમેન્ટ કરશે, તે તેમની પાસે કારણ છે કે નહીં તેના પર નિર્ભર રહેશે અમે તેના વિશે અન્યાયી થવા જઈ રહ્યા નથી.

મીડિયા સાથે વાત કરતા નેતન્યાહૂએ કહ્યું હતું કે ગાઝા એક ખુલ્લી જગ્યા હોવી જોઈએ, જેલ જેવી નહીં. તેમણે કહ્યું કે જો લોકો રહેવા માંગે છે તો તેઓ રહી શકે છે, પરંતુ જે લોકો જવા માંગે છે તેમને એક વિકલ્પ મળવો જોઈએ. આ માટે અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને એવા દેશો શોધી રહ્યા છે જે પેલેસ્ટિનિયનોને સારું ભવિષ્ય આપવા માંગે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ગાઝાનો કબજો લેશે અને ત્યાંના લોકોને અન્ય દેશોમાં મોકલી દેવામાં આવશે.