Israel Attack On Iran: ઇઝરાયલે શુક્રવારે સવારે ઇરાનની રાજધાની તેહરાન પર મોટો હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા અને સમાચાર આવ્યા છે કે આ હુમલામાં ઇરાનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરીનું મોત થયું છે.

ઇરાનની ચેતવણી

આ હુમલા પછી ઇરાને કહ્યું હતું કે ઇઝરાયલ અને અમેરિકાએ ઇઝરાયલી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. ઇરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોલફઝલ શેખરચીએ સરકારી ટીવીને જણાવ્યું હતું કે શુક્રવારે ઇઝરાયલી હુમલા બાદ અમેરિકા અને ઇઝરાયલને ભારે કિંમત ચૂકવવી પડશે.

ઇઝરાયલનો દાવો

આ હુમલા પછી ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાટ્ઝે હુમલાની પુષ્ટી કરી છે અને ઇઝરાયલી સંરક્ષણ અધિકારીએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઇરાનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરી અને એક અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકનું પણ મૃત્યુ થયું છે.

તેમના દેશમાં ઇમરજન્સી જાહેર કર્યા પછી જેરુસલેમ અને ઇઝરાયલના અન્ય શહેરોમાં સાયરન વાગી રહ્યા છે. કાટ્ઝે કહ્યું કે ઇરાનના બદલો લેવાના હુમલાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દેશમાં એરસ્પેસને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યું છે.    

ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાન પર  હુમલો કર્યો છે. આ ઉપરાંત ઇઝરાયલે ઇરાની લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે શુક્રવારે સવારે કહ્યું કે તેણે ઇરાન પર હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલે ઇરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે અમે નતાંજમાં ઇરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો, અમે ઇરાની બોમ્બ બનાવવા પર કામ કરતા મુખ્ય ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા હતા.