Israel Gaza Strip Attack: હમાસના હુમલા બાદ ઈઝરાયલે વળતો પ્રહાર કર્યો છે. આ અંગે ગાઝામાં પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, ઓછામાં ઓછા 198 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 1,610 થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલ દ્વારા તેના પ્રદેશ પર હમાસના વ્યાપક હુમલાનો આ જવાબ હતો.
આ દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના વરિષ્ઠ સલાહકારે ઈઝરાયેલ પર હમાસના ઓચિંતા હુમલાને સમર્થન વ્યક્ત કર્યું હતું. એએફપી અનુસાર, સલાહકાર રહીમ સફવીએ પેલેસ્ટિનિયન લોકોને ટેકો આપવા માટે સમર્પિત તેહરાનમાં એક મીટિંગ દરમિયાન તેને "ગૌરવપૂર્ણ ઓપરેશન" તરીકે વર્ણવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આ ઓપરેશનને સમર્થન આપે છે.
ઈઝરાયેલની બાજુ પણ સ્થિતિ તંગ છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલની એમ્બ્યુલન્સ સેવાએ અહેવાલ આપ્યો છે કે હમાસના હુમલાને કારણે ઓછામાં ઓછા 40 ઇઝરાયેલીઓએ જીવ ગુમાવ્યો છે, અને સેંકડો ઘાયલ થયા છે. આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે રોઇટર્સે તેના ફોટોગ્રાફરને ટાંકીને અહેવાલ આપ્યો છે કે તેણે દક્ષિણ શહેર સેડેરોટની શેરીઓમાં ઘણા મૃતદેહો જોયા છે.
ઈઝરાયેલે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કર્યા બાદ હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ'ની જાહેરાત કરી છે. ઇઝરાયેલ વાયુસેનાએ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને અનેક સ્થળોએ નિશાન બનાવીને ડઝનબંધ ફાઇટર જેટ સાથે હુમલો કર્યો છે. ઇઝરાયેલ પર સૌથી મોટા હુમલામાં હમાસે ગાઝામાંથી લગભગ 5,000 રોકેટ છોડ્યા બાદ ઇઝરાયેલે શનિવારે સવારે 'યુદ્ધની સ્થિતિ' જાહેર કરી હતી. આ જૂથના અનેક સશસ્ત્ર આતંકવાદીઓ પણ સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી હતી.
નેતન્યાહુએ આપી ચિમકી
ઈઝરાયલના વડા નેતન્યાહુએ એક વીડિયો જાહેર કર્યો છે. કહ્યું કે ઈઝરાયેલ યુદ્ધમાં છે અને હમાસને હુમલાની કિંમત ચૂકવવી પડશે. "આ કોઈ પ્રયાસ નથી; આ એક યુદ્ધ છે. આ હમાસ દ્વારા ઈઝરાયલ અને તેના નાગરિકો સામે ખૂની હુમલો છે. મે સેનાને આદેશ આપી દીધો છે. ઈઝરાયલે પણ પોતાના નાગરિકોને ઘરની અંદર રહેવા કહ્યું છે. અને, ગાઝામાં હમાસ સામે બદલો લેવા માટે 'ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ' શરૂ કરવામાં આવ્યું છે. બંને બાજુ ભયંકર અસ્થિરતા છે. રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બ વિસ્ફોટ થયાના અહેવાલ છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલે અહેવાલ આપ્યો છે કે હમાસના લડવૈયાઓએ જમીન અને હવાઈ માર્ગે ઘૂસણખોરી કરી હતી. દક્ષિણ ઇઝરાયેલના ઘણા ભાગોમાં લડાઈના અહેવાલ છે. આ લડાઈ વચ્ચે તેલ અવીવ એરપોર્ટ સિવાય દેશના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.