Israel Attack: ઇઝરાયેલ પર  શનિવાર (7 ઓક્ટોબર 2023) ની વહેલી સવારે હમાસના બંદૂકધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝા પટ્ટીમાં, હમાસના હુમલાખોરોએ પહેલા ઓછામાં ઓછા 5,000 રોકેટ છોડ્યા પછી પેરાગ્લાઈડિંગ, રોડ અને અન્ય માર્ગો દ્વારા ઈઝરાયેલમાં પ્રવેશ કર્યો અને તેમની સામે કોઈને પણ ગોળી મારી.


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ જાહેર કર્યું છે અને સમગ્ર ઈઝરાયેલમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હમાસ દ્વારા  આજે ​​સવારે એક મોટી ભૂલ કરી છે, તેઓએ ઇઝરાયલ સામે યુદ્ધ શરૂ કર્યું છે, ઇઝરાયેલ ચોક્કસપણે જીતશે.


આ દરમિયાન, મધ્ય પૂર્વના આ દેશ પર થયેલા હુમલાની ભારત,  ફ્રાન્સ, બ્રિટન, યુક્રેન અને જર્મનીએ નિંદા કરી છે. બ્રિટિશ વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ કહ્યું કે બ્રિટન પેલેસ્ટિનિયન ઈસ્લામિક જૂથ હમાસ દ્વારા ઈઝરાયેલ પર અભૂતપૂર્વ હુમલાની નિંદા કરે છે. જેમ્સ  ક્લેવરલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું, "યુકે હમાસ દ્વારા ઈઝરાયેલના નાગરિકો પર કરવામાં આવેલા ભયાનક હુમલાની નિંદા કરે છે. યુકે હંમેશા ઈઝરાયેલના પોતાના બચાવના અધિકારનું સમર્થન કરશે." 


પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, "ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો. અમારી પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકજૂટતા સાથે ઊભા છીએ."


ફ્રાન્સે શું કહ્યું ?


યુકેની સાથે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે પણ ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે. "ફ્રાન્સ ઇઝરાયેલ અને આ હુમલાઓના ભોગ બનેલા લોકો સાથે તેની સંપૂર્ણ એકતા વ્યક્ત કરે છે. તે આતંકવાદને સંપૂર્ણ અસ્વીકાર અને ઇઝરાયેલની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે," 


જર્મની-યુક્રેને પણ હુમલાની નિંદા કરી હતી


જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેરબોકે હુમલાની નિંદા કરતા કહ્યું કે નિર્દોષ લોકો સામેની હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ. એનાલેના બેરબોકે કહ્યું, "હું ગાઝાથી ઇઝરાયલ સામેના આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરું છું. નિર્દોષ નાગરિકો સામેની હિંસા અને રોકેટ હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ. અમે ઇઝરાયેલ સાથે સંપૂર્ણ એકતા અને આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર આંતક સામે પોતાની રક્ષા કરવા તેના અધિકાર સાથે ઊભા છીએ"


યુક્રેને પણ ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરતા કહ્યું કે તે "જેરૂસલેમ અને તેલ અવીવમાં નાગરિક વસ્તી પર રોકેટ હુમલા સહિત ઇઝરાયેલ સામે ચાલી રહેલા ઉગ્રવાદી હુમલાઓની સખત નિંદા કરે છે." યુક્રેને કહ્યું, "અમે ઇઝરાયલને પોતાની અને તેના લોકોની રક્ષા કરવાના અધિકારમાં અમારું સમર્થન વ્યક્ત કરીએ છીએ."


ઈઝરાયેલની સેનાના પ્રવક્તાએ કહ્યું- ચારે બાજુથી હુમલા થઈ રહ્યા છે


ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટએ જણાવ્યું હતું કે, "તે એક સંયુક્ત હુમલો હતો જે પેરાગ્લાઇડર દ્વારા, સમુદ્ર દ્વારા અને જમીન દ્વારા કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું  "અમે ગાજાપટ્ટની આસપાસ લડી રહ્યા છીએ,"