સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર, આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન પૂરો સપોર્ટ કરી રહ્યું હતું, અને પાકિસ્તાનની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રો અનુસાર, આ આતંકી છેલ્લા 2-3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો.
અન્ય એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભારતે જ્યારે એર સ્ટ્રાઈક કરી ત્યારે મસૂદ અઝહર પણ આ આતંકી કેમ્પમાં હાજર હતો, અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે, જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ, સૂત્રોના હવાલે જાણવા મળી રહ્યું છે કે, મસૂદ અઝહરનું મોત થયું છે, માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલન ચલન કરી શકે તેમ નથી. CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુરેશીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર અમે જૈશ-એ-મોહમ્મદને પુલવામાં હુમલા સાથે કઈ લેવા દેવા નથી. તેમણે કહ્યું હતું કે ભારત જો પુરાવા સોંપે તો અમે યોગ્ય કાર્યવાહી કરીશું.
ભારતે પુલવામાં થયેલા હુમલાના આરોપી જૈશના કમાન્ડર મસૂદ અઝહર વિરુદ્ધ તમામ પુરાવા સાથે પાકિસ્તાનને ડૉઝિયર સોપ્યું છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માગણી કરી હતી.