અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની મુશ્કેલીઓ વધી છે. હાઉસ સ્પીકર મૈક્કાર્થીએ બાઇડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું હતું કે તેઓ ગૃહની એક સમિતિને બાઇડન પરિવાર સામે તેમના વ્યવસાયિક વ્યવહારો અંગે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે.






રિપબ્લિકન હાઉસના સ્પીકર કેવિન મૈક્કાર્થીએ મંગળવારે આ નિર્ણય લીધો હતો. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સ્પીકરનું આ ઐતિહાસિક પગલું ડેમોક્રેટિક પાર્ટીને ભારે પડી શકે છે.


બાઇડન પર શું છે આરોપ? 


બાઇડન પર આરોપ છે કે તેઓ 2009 થી 2017 દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના પુત્ર હન્ટર બાઇડનને વિદેશી બિઝનેસમાં ફાયદો કરાવ્યો હતો. રિપબ્લિકન્સે આ વર્ષે ઘણા મહિનાઓ સુધી આ અંગે તપાસ હાથ ધરી હતી પરંતુ બાઇડન વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા ન હતા. મૈક્કાર્થીએ કહ્યું કે અમે ત્યાં જઇશું જ્યાં પુરાવા અમને લઇને જશે.


સ્પીકરે કહ્યું હતું કે "આ સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપ છે જેના માટે ગૃહ દ્વારા વધુ તપાસની જરૂર છે. તેથી આજે હું રાષ્ટ્રપતિ બાઇડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા માટે અમારી ગૃહ સમિતિને નિર્દેશ આપી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે રિપબ્લિકને ફોન કોલ્સ, મની ટ્રાન્સફર અને અન્ય ગતિવિધિઓના પુરાવા રજૂ કર્યા છે જે બાઇડન પરિવારમાં ભ્રષ્ટાચારની તસવીર રજૂ કરે છે


યુક્રેનમાં બિઝનેસ ડીલ પર કેન્દ્રિત થશે તપાસ


આ તપાસ યુક્રેનમાં હન્ટર બાઇડનની બિઝનેસ ડીલ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેની તે પહેલેથી જ તપાસ કરી રહ્યા છે. જો કે અમેરિકાના ઈતિહાસમાં કોઈ પ્રમુખને મહાભિયોગ પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા નથી પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.


અગાઉ, બાઇડને મહાભિયોગની તપાસ અંગે રિપબ્લિકન્સની મજાક ઉડાવી હતી અને વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તેમની પાસે આમ કરવા માટે કોઈ આધાર નથી. હવે જ્યારે રિપબ્લિકન સ્પીકરે તેની મંજૂરી આપી દીધી છે ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા ઈયાન સેમ્સે કહ્યું કે સૌથી ખરાબ સ્તરની રાજનીતિ છે.