Terrorsit Attack on Hotel in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે એક હોટલ પર આતંકી હુમલો થયો હતો. આ આત્મઘાતી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ જૂથે લીધી છે. હુમલાની જવાબદારી લેતા ISISએ કહ્યું કે તેણે ચીનના વેપારીઓને નિશાન બનાવવા માટે આ હુમલો કર્યો હતો. આ કબૂલાતથી ચીન સરકારની ચિંતામાં વધારો થયો હશે. પાકિસ્તાન બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ તેના નાગરિકો નિશાના પર છે.






વિસ્ફોટકો બે બેગમાં રાખવામાં આવ્યા હતા


ISISએ કહ્યું કે તેના આતંકીઓએ કાબુલમાં એક મોટી હોટેલ પર હુમલો કર્યો જ્યાં ચીની રાજદ્વારીઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર આવતા હતા. તેઓએ બે બેગમાં છુપાયેલા વિસ્ફોટક ઉપકરણો વડે વિસ્ફોટને અંજામ આપ્યો હતો. એક બેગ વડે ચાઈનીઝ મહેમાનોને નિશાન બનાવવાની યોજના હતી, જ્યારે બીજી બેગ વડે હોટલના રિસેપ્શન હોલને નિશાન બનાવવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર થઈ રહેલા ગોળીબાર વચ્ચે જ હોટલમાં રહેલા લોકો બારીમાંથી બહાર કુદતા જોવા મળ્યા હતા. જે સમયે હોટલમાં હુમલો થયો ત્યારે અનેક ચીની નાગરિકો હાજર હતાં છે. ઓટોમેટિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ હોટલ પર હુમલો કર્યો હતો.   હુમલાખોરોએ આત્મઘાતી જેકેટ પણ પહેર્યા હતાં. આત્મઘાતી હુમલા બાદ અનેક રાઉંડ ગોળીબાર પણ થયો હતો


તાલિબાન અધિકારીઓ પર પણ ગોળીબાર


ISIS એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'બે આતંકીઓમાંથી એક જણાએ તાલિબાન અધિકારીઓ પર ગ્રેનેડ ફેંક્યા જેઓ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે બીજાએ વિસ્ફોટ કર્યો હતો અને હોટલના મહેમાનો પર ગોળીબાર કર્યો હતો.


ત્રણેય હુમલાખોરો માર્યા ગયા


તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે હુમલા અંગે ટ્વીટ કર્યું હતું કે 'કાબુલની એક હોટલમાં હુમલો થયો હતો. ત્રણેય હુમલાખોરો માર્યા ગયા છે. હોટલમાં હાજર તમામ મહેમાનોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. માત્ર બે વિદેશી મહેમાનો નીચે કૂદી પડતાં તેમને ઈજા થઈ હતી.


આ હુમલા અંગે ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે આ ઘટના એક ગેસ્ટ હાઉસ પાસે બની છે અને આ ગેસ્ટ હાઉસમાં ચીની નાગરિકો રહે છે. શિન્હુઆએ કાબુલમાં ચીની દૂતાવાસને ટાંકીને કહ્યું કે ચીન સમગ્ર ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે અને મદદ માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે.