Kabul, Afghanistan : કાબુલની પુલ-એ-ખિશ્તી મસ્જિદમાં બુધવારે બપોરે નમાજના સમયે વિસ્ફોટ થયો હતો. ટોલો ન્યૂઝે કાબુલ પોલીસ કમાન્ડને ટાંકીને લખ્યું કે આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા છે. ટોલો ન્યૂઝ મુજબ, મસ્જિદમાં નમાજ સમયે હેન્ડ ગ્રેનેડ ફેંકવામાં આવ્યો અને તેના કારણે વિસ્ફોટ થયો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિની માહિતી નથી.
એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ગત રવિવારે પણ કાબુલમાં આવો જ વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 59 ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, 3 એપ્રિલનો વિસ્ફોટ પણ કાબુલમાં મની ચેન્જર માર્કેટમાં કથિત ચોર દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડને કારણે થયો હતો.
આ માહિતી કાબુલની ઇમરજન્સી હોસ્પિટલ દ્વારા ટ્વિટર દ્વારા શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 59 ઘાયલોમાંથી 30ને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઓગસ્ટ 2021માં તાલિબાનોએ દેશ પર કબજો જમાવ્યો ત્યારથી અફઘાનિસ્તાનની રાજધાનીએ નિયમિત હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. કાબુલ તાલિબાનીઓ દ્વારા ટેકઓવર પહેલા પતન થનાર છેલ્લું પ્રાંત હતું. ત્યારથી આ પ્રદેશમાં માનવાધિકાર ઉલ્લંઘન અને હુમલાના અસંખ્ય અહેવાલો આવ્યા છે.
શ્રીનગરમાં વિસ્ફોટ, ટેમ્પો ડ્રાઇવરનું મોત
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં બોટનિકલ ગાર્ડન પાસે બુધવારે બપોરે આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલકનું મોત થયું છે. ઘટનાની જાણકારી થતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારની સીલ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે જ્યારે ટેમ્પો ચાલકે વાહનનો પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ સ્થળ પરથી કોઈ વિસ્ફોટક અવશેષો મળ્યા નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી આ દુર્ઘટના બની રહી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ આતંકવાદી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ વિસ્ફોટની જવાબદારી લીધી છે.