જો બાઇડને (Joe biden) રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી (us presidential elections) ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ કમલા હેરિસે (kamala harris) આજે એક સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિની સિદ્ધિઓની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બાઇડને બે કાર્યકાળ પૂર્ણ કરનારા ઘણા રાષ્ટ્રપતિઓનો વારસો પાછળ છોડી દીધો છે. બાઇડને રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને પોતાનું સમર્થન આપ્યું છે, ત્યારબાદ તેમણે કેમ્પેઇનમાં લગભગ 50 મિલિયન ડોલર એકઠા કર્યા હતા.






નેશનલ કોલેજિયેટ એથ્લેટિક એસોસિએશન (NCAA) ચેમ્પિયન ટીમોને સન્માનિત કરવાના એક કાર્યક્રમમાં કમલા હેરિસે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં બાઇડનની સિદ્ધિઓનો વારસો "આધુનિક ઇતિહાસમાં અપ્રતિમ છે." તેઓએ જણાવ્યું કે તેઓ કેવી રીતે બાઇડનને તેમના સ્વર્ગસ્થ પુત્ર બ્યૂની મારફતે જાણતા હતા, જ્યારે તેઓ તેમના સંબંધિત રાજ્યોમાં એટોર્ની-જનરલ તરીકે સેવા આપતા હતા.


કમલા હેરિસે બાઇડન વિશે શું કહ્યું?


કમલા હેરિસે કહ્યું હતું કે  "તે (બાઇડનનો દીકરો બ્યૂ) મને કહેતો હતો કે તે (બાઇડન) કેવા પિતા છે અને તે કેવા પ્રકારના વ્યક્તિ છે. બ્યૂ પોતાના પિતામાં જે ગુણોનો આદર કરતા હતા તે ગુણ મે મારા રાષ્ટ્રપતિમાં દરરોજ જોયા છે. તેમની ઇમાનદારી, તેમની નિષ્ઠા, પોતાના વિશ્વાસ અને પોતાના પરિવાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા, તેમનું વિશાળ હૃદય અને આપણા દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ. અને હું સાક્ષી છું કે આપણા રાષ્ટ્રપતિ બાઇડન દરરોજ અમેરિકનો માટે લડે છે.


બાઇડને કમલા હેરિસને પોતાનું સમર્થન આપ્યું હતું


કમલા હેરિસે જણાવ્યું કે બાઇડન કાર્યક્રમમાં આવવા માંગતા હતા પરંતુ તેઓ કોવિડથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ખરેખર ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે,". નોંધનીય છે કે બાઇડને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. ડેમોક્રેટ પાર્ટીના નેતાઓ અને સમર્થકોના દબાણ બાદ તેમણે આ જાહેરાત કરી હતી. પોતાનું નામ પાછું ખેંચવાની સાથે જ બાઇડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું હતું. આ પછી ભૂતપૂર્વ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ ​​નેન્સી પેલોસી સહિત વરિષ્ઠ ડેમોક્રેટ નેતાઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું.


કમલા હેરિસે લગભગ 50 મિલિયન ડોલર એકત્ર કર્યા


યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે રાષ્ટ્રપતિ બાઇડનની રેસમાંથી બહાર થયા બાદ પ્રેસિડેન્ટની રેસમાં પોતાનું સ્થાન બનાવવા માટે 49.6 મિલિયન ડોલર એકત્ર કર્યા છે. બાઇડનના પ્રચાર પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ ગઈકાલે બપોરે વાઇસ પ્રેસિડેન્ટ હેરિસને સમર્થન આપ્યું હોવાથી દરરોજ અમેરિકનોએ તેમના અભિયાન માટે 49.6 મિલિયન ડોલરનું દાન કર્યું છે.