Bomb Blast in Karachi: કરાંચીના ખારાદર વિસ્તારમાં આવેલી ન્યૂ મેમન મસ્જિદ પાસે સોમવારે સાંજે એક વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. જિયો ન્યૂઝ અનુસાર, બ્લાસ્ટ ખારદાર વિસ્તારમાં ભીડભાડવાળા બોલ્ટન માર્કેટ પાસે થયો હતો. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટનું લક્ષ્ય પોલીસનું વાહન હતું.


ડોન ન્યૂઝ ટીવી પર દેખાડવામાં આવેલા ફૂટેજ મુજબ, આ વિસ્ફોટમાં એક મોટરસાઇકલ, એક રિક્ષા અને એક પોલીસ મોબાઇલને નુકસાન થયું છે. ફૂટેજમાં લોકો આગ ઓલવવાનો પ્રયાસ કરતા પણ દેખાઈ રહ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે તેનો અવાજ દૂર દૂરના વિસ્તારોમાં સંભળાતો હતો.






કરાંચીમાં એક અઠવાડિયાની અંદર આ બીજો બ્લાસ્ટ છે. 13 મેની મોડી રાત્રે પાકિસ્તાનના કરાંચીમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોકોએ તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળ્યો અને આસપાસ પાર્ક કરાયેલા વાહનો ચારે તરફ ધ્વસ્ત થઈ ગયા. આ બ્લાસ્ટ કરાંચીના સદર વિસ્તારમાં થયો હતો. આ વિસ્ફોટ સમયે પણ બજારમાં ભારે હલચલ મચી ગઈ હતી.


બોમ્બમાં 2 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
પ્રાથમિક માહિતી અનુસાર આ બોમ્બ ધડાકામાં લગભગ 2 કિલો વિસ્ફોટક અને લગભગ અડધા કિલો બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ ટાઈમર વડે કરવામાં આવ્યો હતો. સિંધ અને બલૂચિસ્તાનના અલગતાવાદી જૂથોએ તેની જવાબદારી સ્વીકારી છે. કરાચી પોલીસ તેને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.