Bangladesh Crisis: બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડ્યા પછી શેખ હસીના રાજીનામું આપીને ભારત આવી ગયા. આ અંગે પૂર્વ PM ખાલિદા જિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી લીગ પર આધારિત નથી. ભારતે પૂર્વ PM શેખ હસીનાને આશ્રય આપ્યો છે તેને લઈને બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક છે."


'બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૂ કરવાનો સાચો સમય'


ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ BNP નેતા ખંડકર મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ કરવાનો આ સાચો સમય છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિનંદન સંદેશનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે ભારત અવામી લીગ અને શેખ હસીનાનું સમર્થન કરવાનું બંધ કરશે, જે મોટા પાયે વિદ્રોહ પછી દેશ છોડીને ભાગી ગયા.


અન્ય એક BNP નેતા અબ્દુલ અવલ મિન્ટુએ કહ્યું કે જો શેખ હસીના ભારત ન ભાગી હોત તો વધુ સારું હોત, કારણ કે બાંગ્લાદેશના લોકો ભારત સાથે સારા સંબંધો રાખવા ઇચ્છે છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને ત્યાંના લોકો ભારતને મિત્ર તરીકે જુએ છે.


BNP શાસનનો કર્યો ઉલ્લેખ


મોશર્રફ હુસૈને કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી ત્યારે તેમણે બાંગ્લાદેશ સરકારમાં મંત્રી તરીકે કામ કર્યું હતું અને બંને દેશો (ભારત અને બાંગ્લાદેશ) વચ્ચે શ્રેષ્ઠ સંબંધો હતા. BNP નેતા મોશર્રફ હુસૈને કહ્યું, "ભારત બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તેણે સતત પોતાના લોકોનું સમર્થન કર્યું છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો જળવાઈ રહે."


BNP નેતાએ કહ્યું કે બાંગ્લાદેશના લોકોને આશા છે કે ભારત સરકાર હંમેશા અવામી લીગ જેવા ભ્રષ્ટ અને સરમુખત્યારશાહી શાસનનું સમર્થન નહીં કરે. તેમણે આશા વ્યક્ત કરી છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર લોકો માટે સામાન્ય સ્થિતિ અને લોકશાહી અધિકારોને જલદી પુનઃસ્થાપિત કરશે.