નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આખરે પત્રકાર જમાલ ખશોગીની હત્યાની જવાબદારી લીધી છે. આગામી સપ્તાહે પ્રસારિત થનારી પીબીએસ ડોક્યુમેન્ટરી અનુસાર, સલમાને કહ્યું કે, છેલ્લા વર્ષે સાઉદી એજન્ટો દ્ધારા કરવામાં આવેલી ખશોગીની હત્યાની તે જવાબદારી લીધી છે કારણ કે હત્યાને તેની દેખરેખમાં જ અંજામ આપવામાં આવી હતી. પ્રિન્સની આ કબૂલાત ખૂબ ચોંકાવનારી છે કારણ કે અત્યાર સુધીમાં સલમાને સાર્વજનિક રીતે આ હત્યાકાંડ અંગે કાંઇ બોલ્યા નથી.
છેલ્લા વર્ષે ઇસ્તંબુલ સ્થિત સાઉદી કોન્સ્યુલેટની અંદર પત્રકારની હત્યા કરી દીધી હતી. સીઆઇએ અને પશ્વિમી દેશોની સરકારોએ કહ્યુ હતું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સે જ આ હત્યાનો આદેશ આપ્યો હતો પરંતુ સાઉદીના અધિકારીઓ કહેતા આવ્યા છે કે તેમની કોઇ ભૂમિકા નથી. નોંધનીય છે કે આ હત્યાના રિપોર્ટે દુનિયાભરમાં ખૂબ ચર્ચા જગાવી હતી અને વૈશ્વિક સ્તર પર સાઉદી સરકારની ટીકા કરાઇ હતી. આ હત્યા કાંડને કારણે ક્રાઉન પ્રિન્સની છબિ પણ ખૂબ ખરાબ થઇ હતી. ત્યારબાદ સાઉદીના ક્રાઉન પ્રિન્સે અમેરિકા કે યુરોપનો પ્રવાસ કર્યો નથી.
હવે ખશોગીની હત્યાના એક વર્ષ પુરા થાય તે અગાઉ એક ઓક્ટોબરે પ્રસારિત થવા જઇ રહેલી ડોક્યુમેન્ટરી અનુસાર, ક્રાઉન પ્રિન્સ પીબીએસના માર્ટિન સ્મિથને કહે છે કે આ બધુ મારી દેખરેખમાં થયુ અને હું તેની જવાબદારી લઉં છું. સરકારી વકીલે કહ્યુ હતું કે, તત્કાલિન ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ચીફે ખશોગીને સ્વદેશ પરત લાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમની વાપસી ના થતાં મુખ્ય વાર્તાકારે હત્યાનો આદેશ આપી દીધો. સરકારી વકીલના મતે પૂર્વ રોયલ એડવાઇઝર સૌદ અલ કતાનીએ ઓપરેશન અગાઉ ટીમને ખશોગીની ગતિવિધિઓ પર નજર રાખવા કહ્યુ હતું.
ડોક્યુમેન્ટરીમાં સ્મિથે ક્રાઉન પ્રિન્સને પૂછ્યું કે, શું હત્યારાઓએ પ્રાઇવેટ ગવર્નમેન્ટ જેટ્સનો ઉપયોગ કર્યો હતો. જેના પર તેમણે કહ્યુ કે, મારી વાત માનવા માટે અધિકારી અને મંત્રી છે અને તે જવાબદાર લોકો છે. તેમની પાસે એમ કરવાની ઓથોરિટી છે. બીજી તરફ અમેરિકાએ કહ્યું કે, આ મામલાની તપાસમાં ઝડપ લાવવામાં આવે જ્યારે 11 સાઉદી શંકાસ્પદોની ગુપ્ત સુનાવણી ખૂબ ધીમી છે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, પ્રિન્સ મોહમ્મદ અને બીજા વરિષ્ઠ સાઉદી અધિકારીઓની પણ તપાસ થવી જોઇએ.
નોંધનીય છે કે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર ખશોગીની 2 ઓક્ટોબર 2018ના રોજ ઇસ્તંબુલમાં સાઉદી કોન્સુલેન્ટમાં હત્યા કરાઇ હતી. તેમની લાશના ટૂકડા કરીને ઇમારતની બહાર લઇ જવામાં આવ્યા હતા.