Croatian Foreign Minister Kiss Controversy: ફરી એકવાર કિસ કન્ટ્રૉવર્સીએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે, આ વખતે આ ઘટના બર્લિનમાં ઘટી છે. બર્લિનમાં યૂરોપિયન યૂનિયન (EU) કૉન્ફરન્સ દરમિયાન ગ્રુપ ફોટો સેશન દરમિયાન વિવાદ થયો હતો. અહીં ક્રોએશિયાના વિદેશ મંત્રી ગોર્ડન ગ્રલિક રેડમેને જર્મનીના વિદેશ મંત્રી એન્નાલેના બેરબોકને સ્ટેજ પર જ બળજબરીથી કિસ કરી લીધી હતી, આ પછી તેની ખુબ ટીકા થઈ હતી, ત્યારબાદ તેણે પોતાના શરમજનક કૃત્ય માટે માફી માંગવી પડી હતી.


ન્યૂયોર્ક પૉસ્ટના અહેવાલ મુજબ, જર્મનીના વિદેશ મંત્રીને કિસ કરવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 65 વર્ષીય ક્રૉએશિયન નેતા રેડમેન જર્મન મંત્રી અન્નાલેના બેરબોક સાથે હાથ મિલાવવા આગળ વધે છે અને ફોટો સેશન દરમિયાન તેને બળજબરીથી હોઠ પર ચુંબન કરી લે છે. 


ક્રૉએશિયન નેતા રેડમેનની ખરાબ હરકત 
જર્મનીના 42 વર્ષીય વિદેશ મંત્રી બેરબોક ક્રૉએશિયન નેતા રેડમેનની આ ખરાબ હરકતથી ચોંકી ગયા હતા. રેડમેનની ચુંબન કરવાની રીત જોઈને તે અચકાઈ. આ પછી તેને પોતાનો ચહેરો કેમેરા તરફ ફેરવ્યો. જોકે, આ બધાની વચ્ચે તે બેરબેક ગ્રુપ ફોટો દરમિયાન પૉઝ આપતી વખતે નર્વસ દેખાઈ હતી. ફોટો સેશન પુરી થયા બાદ જર્મન મહિલા નેતાએ બેરબોક રેડમેનથી અંતર રાખીને દુર દુર ભાગી રહ્યાં હતા. ત્યારબાદ તે કોઈની સાથે વાત કરવા માટે ન હતા રોકાયા. ન્યૂયોર્ક પૉસ્ટના અહેવાલ મુજબ, ક્રૉએશિયાના વિદેશ મંત્રી તેમની સામે જોતા જ રહ્યા અને ત્યાં હાજર અન્ય નેતાઓ ફોટો સેશન દરમિયાન તેમની હરકતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.


ક્રૉએશિયન નેતાએ માંગી માફી 
આ ઘટનાએ વિવાદ જગાવ્યો અને અગ્રણી ક્રૉએશિયન મહિલા અધિકાર કાર્યકર્તા રાડા બોરીકે રેડમેનની કાર્યવાહીને અત્યંત અયોગ્ય ગણાવી. તેણે કહ્યું કે પ્રૉફેશનલ સંબંધોમાં આવી વસ્તુઓ માટે કોઈ સ્થાન નથી. બોરીકે સ્થાનિક આઉટલેટ જુટર્નજી લિસ્ટને જણાવ્યું કે તે સ્પષ્ટ છે કે બંને વચ્ચે આવો કોઈ સંબંધ નથી. તેથી જ આવી નિકટતા આશ્ચર્યજનક છે.


ક્રૉએશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન જદ્રંકા કોસોરે રેડમેનનું નામ લીધા વિના આ ઘટના પર નિશાન સાધ્યું અને X પર પૉસ્ટ કરીને કહ્યું કે મહિલાઓને બળજબરીપૂર્વક ચુંબન કરવું એ પણ હિંસા કહેવાય છે. જર્મન પ્રેસ એજન્સી ડીપીએ અનુસાર, રેડમેને પોતાની ભૂલ માટે માફી માંગી છે. ક્રૉએશિયન મીડિયાએ તેને ટાંકીને કહ્યું કે કદાચ આ એક વિચિત્ર અને ડરાવની ક્ષણ હતી. જો કોઈને આમાં કંઈ ખરાબ લાગ્યું હોય તો હું તેની માફી માંગુ છું. જોકે, બેરબોકે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.