દેશમાં કોરોનાની બીજી લહેર  ધીમી પડી ગઈ છે. આ દરમિયાન દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથે કરેલી કોરોના કામગીરીની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. કોરોના સામે યુપીના સીએમ દ્વારા ભરવામાં આવેલા પગલાઓ ઓસ્ટ્રેલિયન સાંસદને એટલા ગમી ગયા કે તેમણે ઓસ્ટ્રેલિયાની મદદ માટે સીએમ યોગીને જ માંગી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કૈલીએ ટ્વીટ કરીને યોગીને બિરદાવ્યા હતા.


ક્રેગ કૈલીએ લખ્યું, ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશ... શું એવો કોઈ રસ્તો છે કે જેના વડે તેઓ અમને થોડા દિવસ માટે પોતાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આપી શકે અને તેઓ અમને આઈવરમેક્ટિન (દવા)ની તંગીમાંથી બહાર કાઢે. તેના કારણે અમારા રાજ્યમાં નિરાશાજનક સ્થિતિ સર્જાઈ છે. ઓસ્ટ્રેલિયા હજુ પણ કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં ત્યાં કોરોનાના 31,000 કેસ નોંધાયા હતા. 


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે ઉત્તરપ્રદેશમાં હાલ 1594  એક્ટિવ કેસ છે. રાજ્યમાં 16,83,058 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 22,698 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.






દેશમાં કોરોના વાયરસની સ્થિતિ


ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા  અને 39649 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870

  • કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713

  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899

  • કુલ મોત - 4 લાખ 8 હજાર 764


ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.