Lebanon Pager Blast Latest News: મંગળવારે લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાં પેજર બ્લાસ્ટને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા અને હજારો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ બાદ હિઝબુલ્લાએ આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ઈઝરાયલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.






બીજી તરફ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે લગભગ પાંચ મહિના પહેલા આ બ્લાસ્ટની સ્ક્રિપ્ટ લખી હતી. તેણે પાંચ મહિના પહેલા પેજરમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતા. આ માહિતી બાદ હવે તાઈવાનની કંપની પણ સવાલોના ઘેરામાં છે.


આ હુમલા બાદ ચર્ચામાં આવેલી તાઈવાનની ગોલ્ડ અપોલો કંપનીના સ્થાપક અને ચેરમેન સુ ચિંગ કુઆંગે (Hsu Ching Kuang)  કહ્યું છે કે જે પ્રોડક્ટ્સમાં બ્લાસ્ટ થયો હતો તે અમારા નથી. તે પ્રોડક્ટ માટે ફક્ત અમારા બ્રાન્ડનો ઉપયોગ  કરવામાં આવ્યો છે. પરંતુ આ ઘટના ખૂબ જ શરમજનક છે.


તેમણે કહ્યું કે અમારી કંપનીએ આ પેજર્સ બનાવ્યા નથી. આ પેજર્સ યુરોપિયન કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા. તે કંપની પાસે અમારી કંપનીની બ્રાન્ડનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે, તેણે આ પેજર્સ તૈયાર કરનાર કંપનીનું નામ જાહેર કર્યું ન હતું.


આકારણે ઈઝરાયલ પર શંકા


ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહ વિરુદ્ધ મોસાદના ગુપ્તચર ઓપરેશનના ભાગરૂપે ઈઝરાયલે આ પેજર્સમાં વિસ્ફોટકો ફીટ કર્યા હતા. થોડા સમય પહેલા હિઝબુલ્લાએ ગોલ્ડ અપોલો નામની તાઈવાનની કંપનીને લગભગ ત્રણ હજાર પેજરનો ઓર્ડર આપ્યો હતો. કંપનીએ આ પેજર્સ આ વર્ષે એપ્રિલ અને મે વચ્ચે તાઈવાનથી લેબનોન મોકલ્યા હતા, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ લેબનોન પહોંચે તે પહેલા જ તેમની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને તેમાં વિસ્ફોટકો ફીટ કરવામાં આવ્યા હતા. કારણ કે આ પેજર્સની ડિલિવરીનો સમય એપ્રિલ અને મે વચ્ચેનો છે અને આ સમયગાળા દરમિયાન ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ શરૂ થયો હતો શંકા માત્ર ઇઝરાયલ પર જ પડી રહી છે.


યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેજરનો મોડલ નંબર AP924 હતો અને દરેક પેજરમાં બેટરીની બાજુમાં વિસ્ફોટક લગાવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે લેબનોનમાં બપોરે 3.30 વાગ્યે આ પેજર્સ પર એક મેસેજ આવ્યો હતો અને તે પછી પેજરમાં લાગેલું વિસ્ફોટક એક્ટિવેટ થઈ ગયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ પહેલા આ પેજર્સમાં કેટલીક સેકન્ડો સુધી બીપનો અવાજ સંભળાયો હતો.


PETN વિસ્ફોટકનો ઉપયોગ કરવાનો દાવો


સ્કાય ન્યૂઝ અરેબિયાના અહેવાલ મુજબ, મોસાદે હિઝબુલ્લાહના પેજરની અંદર PETN ફીટ કર્યું હતું. વાસ્તવમાં આ એક પ્રકારનો વિસ્ફોટક છે, જેનો ઉપયોગ પેજર બેટરીમાં થતો હતો. આ પેજર્સ બેટરીનું તાપમાન વધારીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકનું વજન 20 ગ્રામથી ઓછું હતું.


લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ