વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે જો રશિયા રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો તેને ગંભીર કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા યુક્રેનમાં રશિયા સામે લડશે નહીં. નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઇ જશે.


રશિયા ક્યારેય યુક્રેનને જીતી શકશે નહીં.


 નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન સેનાએ યુક્રેનમાં સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું. 27 ફેબ્રુઆરીના રોજ મોસ્કોએ યુક્રેન, ડનિટ્સ્ક અને લુહાન્સ્કના અલગ પ્રદેશોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી હતી.


વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં જો બાઇડને કહ્યું હતું કે અમે યુરોપમાં અમારા સહયોગીઓ સાથે ઉભા રહીશું. અમે નાટોની એક એક ઇંચ જમીનનું રક્ષણ કરીશું અને અન્ય નાટો દેશોને પણ આવું કરવા પ્રેરિત કરીશું. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં રશિયા સામે યુદ્ધ નહીં લડીએ. નાટો અને રશિયા વચ્ચેનો સીધો મુકાબલો ત્રીજું વિશ્વ યુદ્ધ છે. આપણે આને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ.


નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ 30 નોર્થ અમેરિકન અને યુરોપિયન દેશોનું જૂથ છે. નાટો અનુસાર, તેનો હેતુ રાજકીય અને લશ્કરી માધ્યમો દ્વારા તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાની ખાતરી આપવાનો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન દારૂ, સીફૂડ અને હીરા સહિત અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. બાઇડને કહ્યું કે પુતિનનો સામનો કરવા માટે વિશ્વ એક થઇ  રહ્યું છે.


નોંધનીય છે કે અમેરિકાએ રશિયન તેલ અને ગેસ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધમાં યુરેનિયમ સામેલ નથી, એટલે કે અમેરિકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે રશિયા પાસેથી યુરેનિયમ આયાત કરવાનું ચાલુ રાખશે. યુએસ અને અન્ય દેશોના પ્રતિબંધોને પગલે રશિયન રૂબલ છેલ્લા મહિનામાં યુએસ ડોલર સામે 76% ઘટ્યો છે, જે યુક્રેનમાં લાંબા સમય સુધી યુદ્ધ ચલાવવાની પુતિનની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.


મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો વૈશ્વિક વેપાર માટે આધારરેખા છે, જે સુનિશ્ચિત કરે છે કે વિશ્વ વેપાર સંગઠનના દેશો સાથે સમાન રીતે વર્તે છે. વિકાસશીલ અર્થતંત્ર તરીકેની સ્થિતિને કારણે કેટલાક દેશોને WTOમાં વિશેષ વિશેષાધિકારો છે. અમેરિકા તરફથી  MFNનો દરજ્જો ના મળતા રશિયા ક્યુબા અને ઉત્તર કોરિયાની રેન્કમાં  સામેલ થઇ જશે.