નવી દિલ્હીઃ વિશ્વભરમાં 200થી વધારે દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં 10 લાખ 48 હજારથી વધારે લોકોના મોત થયા છે અને સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 57 લાખને પાર થઈ ગઈ છે. કોરોનાનો ખતરો વધતાં વિશ્વના ઘણા દેશોએ માર્ચ મહિનામાં લોકડાઉન લાદયું હતું અને બાદમાં અનલોક કરવાનું શરૂ કર્યુ હતું. હવે ફરી એક વખત કોરોનાના વધી રહેલા કેસને લઈ કેટલાક દેશોએ ફરીથી લોકડાઉન લગાવવાનો વિચાર કર્યો છે.


નેપાળ

સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોરોનાના વધતા મામલાને જોઈ નેપાળમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવી શકે છે. નેપાળે કોરોના સંક્રમિતોની સંખ્યા બાબતે ચીનને પાછળ રાખી દીધું છે. માર્ચ મહિનામાં નેપાળમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન નાંખવામાં આવ્યું હતું.

પેરિસ

ફ્રાંસના પેરિસમાં આજથી બે સપ્તાહ માટે તમામ બાર અને કેફેને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગત સપ્તાહે ફ્રાંસના બીજા મોટા શહેર માર્સિલેમાં બાર અને રેસ્ટોરન્ટ 15 દિવસ માટે બંધ કરવાનો આદેશ કરાયો હતો. લોકડાઉન ખતમ થયા બાદ અહીં કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.

જર્મની

જર્મનીમાં ચાલુ વર્ષના અંત સુધી સંગીત સમારોહ, સ્પોર્ટ્સ એક્ટિવિટી અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી હાઈ રિસ્કવાળા દેશોના મુસાફરોને 14 દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઈનનો નિયમ બનાવાયો છે. ઉપરાંત ફેસ માસ્ક ન પહેરવા બદલ જર્મનીમાં 50 યૂરોનો દંડ પણ લગાવાયો છે.



સ્પેન

કોરોના વાયરસના સૌથી વધારે પ્રભાવિત દેશો પૈકીના સ્પેનમાં કોરોનાથી બચવા અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. જાહેર સ્થળો માટે અનેક નવા નિયમો બનાવાયા છે. ઉપરાંત 6 વર્ષથી વધારે ઉંમરની દરેક વ્યક્તિ બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છે.

ઈટાલી

ઈટાલીમાં નાઇટ ક્લબ અને ડાંસ બાર બંધ કરી દેવામાં આવ્યા છે. બહાર નીકળનારા લોકો માટે તમામ જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું કડક પાલન કરવા દિશાનિર્દેશો જાહેર કરાયા છે. 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ સ્કૂલ જતી વખતે માસ્ક પહેરવું અનિવાર્ય છે.



નેધરલેંડ

કોરોનાના વધતા સંક્રમણને જોતાં નેધરલેંડમાં પણ નવા પ્રતિબંધો લાગુ કરાયા છે. મોટા શહેરો અને જાહેર સ્થળો જેવા કે બાર અને રેસ્ટોરેન્ટમાં માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન દર્શકો વગર યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે.