Mali Road Accident: આફ્રિકન દેશ માલીમાં એક બસ પુલ પરથી નીચે ખાબકતા ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના કેનીબા વિસ્તારમાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી નીચે ખાબકી હતી.






આ ઘટના અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારે (27 ફેબ્રુઆરી) માલીમાં 31 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. બુર્કિના ફાસો તરફ જઈ રહેલી બસ દેશના દક્ષિણ-પૂર્વમાં સ્થિત પુલ પરથી નીચે પડી ગઈ ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.


મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બાગો નદી પર બનેલા આ પુલ પર અકસ્માત સાંજે 5 વાગ્યે થયો હતો. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવવો હોવાનું માનવામાં આવે છે.


પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે. વધતા માર્ગ અકસ્માતોનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગ આફ્રિકામાં થાય છે.


નોંધનીય છે કે 46 દિવસ પહેલા પણ માલીમાં એક રોડ અકસ્માત થયો હતો. આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી જેમાં 15 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના 2023ના આંકડા પરથી જાણવા મળ્યું હતું કે દુનિયામાં અકસ્માતમાં થનારા મૃત્યુના લગભગ ચોથા ભાગના મોત આફ્રિકામાં થાય છે. જોકે આ મહાદ્વીપ દુનિયાના વ્હિકલ્સનો કુલ હિસ્સામાંથી બે ટકા ધરાવે છે.