નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના ગુનેગાર જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને ઘેરવા માટે ભારત પુરજોશમાં પ્રયત્ન કરી રહ્યું છે. આજે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિની બેઠકમાં એ નક્કી થશે કે મસૂદ અઝહર ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવે કે નહીં. ભારતના આ અભિયાનમાં અમેરિકા પણ સાથે છે, US તરફથી કહેવામાં આવ્યું છે કે, મસૂદ અઝહર ગ્લોબલ આતંકી જાહેર કરવો જોઈએ.


અમેરિકા તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત-અમેરિકા સાથે કામ કરી રહ્યું છે, જૈશ-એ-મોહમ્મદ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે અને મસૂદ તેનો પ્રમુખ છે એવામાં તેને પણ ગ્લોબલ આતંકી જાહેર કરવો જોઈએ. મસૂદ અઝહર ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ માટે જોખમી છે.


અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા રોબર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમેરિકા અને ચીન એ વાત પર સહમત છે કે ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત થવી જોઈએ. જો જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે તો શાંતિ મિશન ફેલ જઈ શકે છે.

તમને જણાવીએ કે, ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે હાલમાં અમેરિકામાં અને તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે મુલાકાત કરી હતી. કહેવાય છે કે, મસૂદ અઝહરના મામલે ભારત કડક વલણ અપનાવી રહ્યું છે, આ જ કારણ છે કે આવા સમયે અમેરિકાની સાથે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં તેને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.