કિવ: યુક્રેનની રાજધાની કિવ પર રશિયન ડ્રોન હુમલા બાદ પાવર સપ્લાય સ્ટેશન પર ત્રણ હુમલા કરવામાં આવ્યા છે જેમાં પાવર પ્લાન્ટ્સને ભારે નુકસાન થયું છે. રશિયન હુમલા બાદ યુક્રેને વીજળીના વપરાશમાં ઘટાડો કર્યો છે. હુમલામાં કિવ સહિત અનેક શહેરોના પાવર પ્લાન્ટ્સને અસર થઈ હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કાઇરિલો ટાયમોશેન્કોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી હતી.
યુક્રેન ગુરુવારે પ્રથમ વખત દેશભરમાં વીજળીના ઉપયોગને પ્રતિબંધિત કરી રહ્યું છે. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલાઓએ પાવર પ્લાન્ટ્સને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. સમાચાર એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો હતો. સરકારી અધિકારીઓ અને ગ્રીડ ઓપરેટર ઉક્રેનેગોએ જણાવ્યું હતું કે વીજ પુરવઠો સવારે 7 થી 11 વાગ્યાની વચ્ચે પ્રતિબંધિત રહેશે. યુક્રેનના ખાર્કિવ શહેરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશન પર રાષ્ટ્રપતિના એક સહાયકે જણાવ્યું હતું કે શહેરોમાં મર્યાદિત સ્ટ્રીટ લાઇટિંગ હશે, જો લોકો ન્યૂનતમ વીજળીનો ઉપયોગ નહીં કરે તો અસ્થાયી બ્લેકઆઉટ હશે.
નોંધનીય છે કે રશિયાએ તાજેતરના દિવસોમાં યુક્રેનની પાવર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વધારી દીધા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બુધવારે રાત્રે તેમના વિડિયો સંબોધનમાં કહ્યું, " મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવું નુકસાન થયું છે. આજે દુશ્મનો દ્વારા ત્રણ ઉર્જા સુવિધાઓને નષ્ટ કરવામાં આવી છે. અમે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના સંજોગો માટે તૈયારી કરી રહ્યા છીએ. અમે 100 ટકા દુશ્મન મિસાઇલો અને ડ્રોનને મારવામાં સક્ષમ નથી. ઝેલેન્સકીએ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેમના દેશના ત્રીજા ભાગના પાવર સ્ટેશનો રશિયન હવાઈ હુમલાઓથી પ્રભાવિત થયા છે.